Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

મુંબઈમાં છેલ્લા ૬ અઠવાડિયામાં વાયુ પ્રદૂષણથી ઉધરસના કેસો વધ્‍યા

 સ્‍વસ્‍થ લોકોમાં પણ મહિના સુધી ચાલતી એલર્જીક લાંબી ખાંસી

 મુંબઈ,તા.૧૮ : છેલ્લા છ અઠવાડિયાથી શહેરની હવા અત્‍યંત ખરાબ રહેવાને કારણે શ્વસન સંબંધિત કોઈ બીમારી ન હોય તેવા સ્‍વસ્‍થ લોકોમાં પણ મહિના સુધી ચાલતી લાંબી ખાંસીના કેસમાં અણધાર્યો વધારો જોવા મળી રહ્યો હોવાની જાણકારી શહેરના શ્વસન સંબંધિત નિષ્‍ણાંતોએ આપી છે. આ ચેપ વાયરલ ન હોવા છતાં તેના લક્ષણો કોવિડ જેવા હોય છે.

 ડિસેમ્‍બર મહિનાથી શહેરની હવાની ગુણવત્તા ખરાબ રહી છે. એની સીધી અસર નાગરિકોના આરોગ્‍ય પર પડી રહી છે. આરોગ્‍ય નિષ્‍ણાંતોના મતે હવાની ગુણવત્તા જ્‍યારે અમુક હદ પછી વધુ બગડે છે ત્‍યારે સ્‍વસ્‍થ વ્‍યક્‍તિઓના ફેફસાને પણ વિપરીત અસર થાય છે.

 શહેરની અગ્રણી હોસ્‍પિટલના ડોક્‍ટરોએ જણાવ્‍યું કે અમારી કારકિર્દીમાં પહેલી જ વાર અમે અસ્‍થમા જેવા લક્ષણો ધરાવતા આટલી મોટી સંખ્‍યામાં દરદીઓ જોઈ રહ્યા છીએ.

 તેમણે જણાવ્‍યું કે હોસ્‍પિટલની ઓપીડીમાં આવતા દરદીઓ પૈકી  ૫૦ ટકાને બિનચેપી શ્વસનતંત્ર સંબંધિત સમસ્‍યા થઈ છે. મોટાભાગના લાંબી ખાંસીના કેસ વાયરલ નથી હોતા. તે એલર્જીને કારણે હોય છે. કેટલાક લોકોને ડિસેમ્‍બરથી ખાંસીની શરળઆત થઈ અને હજી તેમની સમસ્‍યા ચાલુ જ છે.

 વાયુ પ્રદુષણને કારણે થયેલી ખાંસીથી પીડાતા મોટાભાગના દરદીઓને ઓપીડીમાં જ સારવાર આપવામાં આવે છે પણ જેમને શ્વસનતંત્ર સંબંધિત બીમારી અગાઉ હોય તેમની સ્‍થિતિ ગંભીર બને છે.

 સામાન્‍યપણે શિયાળામાં હવાની ગુણવત્તા તો બગડતી જ હોય છે પણ આ વર્ષે કેટલાક દરદીઓમાં ઓક્‍સીજનના સ્‍તર ઘટી જતા તેમને હોસ્‍પિટલમાં દાખલ કરવાની જરૂર પડી છે.

 તેમણે વધુમાં જણાવ્‍યું કે તમામ વય જૂથના લોકોમાં નવો વાયરલ ચેપ જણાઈ રહ્યો છે જે હવાની ખરાબ ગુણવત્તા અને ધૂમ્‍મસને કારણે વધુ વકરી રહ્યો છે. આવા લક્ષણો સાથે રોજના ૨૫થી ૩૦ દરદીઓ આવી રહ્યા છે અને લગભગ તમામ કોવિડ નેગેટીવ જણાયા છે. આ ચેપના ચોક્કસ ્‌પ્રકારની જાણકારી ન હોવાથી દરદીઓની તેનામાં રહેલા લક્ષણો અનુસાર સારવાર કરવામાં આવે છે. તેમને મોટાભાગ એન્‍ટી એલર્જીક દવા, બ્રોન્‍કોડાઈલેટર્સ અને કફ સીરપ આપવામાં આવે છે.

 ડોક્‍ટરોએ આવા દરદીઓને બહાર નીકળતી વખતે સારી ગુણવત્તાનું માસ્‍ક પહેરવાની તેમજ હવાની ગુણવત્તા ખરાબ હોય તેવા ભીડવાળા સ્‍થળોએ ન જવાની સલાહ આપી છે.

 ડોક્‍ટરોના મતે તાપમાન વધશે અને હવાની ગુણવત્તામાં સુધારો થશે પછી આ ચેપના કેસ પણ ઘટવા લાગશે. ઉપરાંત જેમને શ્વાસ સંબંધિત સમસ્‍યા હોય તેમણે ખાસ કરીને વહેલી સવારે બહાર ન નીકળવાની અને બહાર વ્‍યાયામ ન કરવાની સલાહ આપવામાં આવી છે.

(4:04 pm IST)