Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

બજેટની તૈયારી વચ્ચે દેશના નાણાં  મંત્રાલયમાંથી એક જાસૂસ પકડાયો

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો: કરાર આધારિત કર્મચારી ડેટા એન્ટ્રી ઓપરેટરની પૈસાના બદલામાં જાસૂસી પ્રવૃત્તિઓ કરવા અને વિદેશી દેશોને વર્ગીકૃત ડેટા પ્રદાન કરવા બદલ ધરપકડ

નવી દિલ્હી :બજેટની તૈયારીઓ વચ્ચે ભારતના નાણાં મંત્રાલયમાંથી એક જાસૂસ પકડાયો છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જેણે નાણાં મંત્રાલય સાથે સંબંધિત સંવેદનશીલ માહિતી લીક કરી હતી. ડેટા એન્ટ્રી ઓપરેટર સુમિત, જે એક કરાર આધારિત કર્મચારી હતો, તેણે પૈસાના બદલામાં જાસૂસી પ્રવૃત્તિઓ કરવા અને વિદેશી દેશોને વર્ગીકૃત ડેટા પ્રદાન કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

  દિલ્હી પોલીસે કહ્યું કે, તેની શોધ દરમિયાન તેના કબજામાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે, જેનો ઉપયોગ તે નાણા મંત્રાલય સાથે જોડાયેલી ગુપ્ત માહિતી શેર કરવા માટે કરે છે. ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બજેટ પહેલા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ થતા દેશમાં ભારે ચર્ચા થઈ રહી છે.  

જાસૂસીની ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ થોડા દિવસો બાદ 1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, મંત્રાલયમાં બજેટ સાથે સંબંધિત ડેટા હોઈ શકે છે, જેને ગુપ્ત રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

 

ક્રાઈમ બ્રાન્ચને આરોપીના ફોનમાંથી ઘણા મહત્વપૂર્ણ ડેટા અને માહિતી મળી છે. ક્રાઈમ બ્રાન્ચે ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, દિલ્હી પોલીસ હવે એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે આરોપીએ અત્યાર સુધી અન્ય દેશોમાં કઈ માહિતી મોકલી છે. તેમજ તેને ખરીદનાર લોકો કોણ હતા?

પોલીસ મંત્રાલયમાં તૈનાત અન્ય કર્મચારીઓની પણ તપાસ કરવામાં આવી રહી છે, જેથી જાણી શકાય કે આ કામમાં તેમને કોણે સાથ આપ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ઓફિશિયલ સિક્રેટ એક્ટની કલમ 3/9 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે. આ કેસમાં મોટા સ્તર પર તપાસ થઈ રહી છે

(8:51 pm IST)