Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

યુવા ઓપનર શુભમન ગિલે હૈદરાબાદમાં  ન્યૂઝીલેન્ડ સામે બેટિંગ કરતા ઈતિહાસ રચ્યો

ગિલે ઇનિંગ્સની 49મી ઓવરમાં લોકી ફર્ગ્યુસનની બોલ પર સતત ત્રણ સિક્સર ફટકારી 145 બોલમાં બેવડી સદી પૂરી કરી :ગિલ 149 બોલમાં 208 રન બનાવીને આઉટ થયો:ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર ગિલ પાંચમો ભારતીય

ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓપનર શુભમન ગિલે બુધવારે હૈદરાબાદમાં ન્યૂઝીલેન્ડ સામે બેટિંગ કરતા ઈતિહાસ રચ્યો હતો. ગિલે ઇનિંગ્સની 49મી ઓવરમાં લોકી ફર્ગ્યુસનની બોલ પર સતત ત્રણ સિક્સર ફટકારીને 145 બોલમાં તેની પ્રથમ બેવડી સદી પૂરી કરી હતી. ગિલ 149 બોલમાં 208 રન બનાવીને આઉટ થયો હતો. ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર ગિલ પાંચમો ભારતીય છે. તેની પહેલા સચિન તેંડુલકર, રોહિત શર્મા (ત્રણ), વીરેન્દ્ર સેહવાગ અને ઈશાન કિશન આ કારનામું કરી ચુક્યા છે.

ગિલની બેવડી સદી ODI ઈતિહાસની દસમી બેવડી સદી છે. સચિન તેંડુલકર 2010માં ગ્વાલિયર ખાતે ODI ઈતિહાસમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. જે બાદ બેવડી સદી ફટકારનારા ખેલાડીઓમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. રોહિત શર્મા વનડેમાં ત્રણ વખત બેવડી સદી ફટકારનાર ખેલાડી બન્યો છે.

શુભમન ગિલે બેવડી સદી ફટકાર્યા બાદ પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે શાનદાર પ્રતિક્રિયા આપી હતી. ફિલ્મની મીમ શેર કરતાં સેહવાગે લખ્યું, ‘ગિલ હૈ કી માનતા નહીં. શુભમન ગિલની શાનદાર બેવડી સદી.

23 વર્ષીય ગિલે આ રેકોર્ડબ્રેક ઇનિંગમાં ઘણા રેકોર્ડ તોડ્યા હતા. ગિલ હવે વન-ડે ઈન્ટરનેશનલમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. ગિલ ઈશાન કિશન કિશનને પાછળ છોડી ગયો. ઈશાન કિશને લગભગ છ અઠવાડિયા પહેલા બાંગ્લાદેશ સામે બેવડી સદી ફટકારી હતી. ત્યારે તેની ઉંમર 24 વર્ષ 145 દિવસ હતી. તો ગિલે 24 વર્ષની ઉંમર પહેલા જ બેવડી સદી ફટકારી હતી.

(9:01 pm IST)