Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

પોલીસ બેડામાં ખડભડાટ : ગુજરાતમાં કથિત નકલી એન્કાઉન્ટરોનો મામલો : સુપ્રીમ કોર્ટે સરકાર પાસેથી ત્રણ કેસનો રેકોર્ડ માંગ્યો

પત્રકાર બી.જી. વર્ગીસ અને ગીતકાર જાવેદ અખ્તર દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલ પર સુનાવણી : ગુજરાતમાં 2002 અને 2006 વચ્ચે 22 કથિત નકલી એન્કાઉન્ટરની તપાસની માંગણી

નવી દિલ્હી: ગુજરાત પોલીસ દ્વારા 2002 અને 2006 વચ્ચે કરવામાં આવેલા 22 કથિત બનાવટી એન્કાઉન્ટરોની તપાસની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે હાલમાં ગુજરાત સરકાર પાસેથી ત્રણ એન્કાઉન્ટર સંબંધિત રેકોર્ડ્સ માંગ્યા છે અને આ સાથે જ પોલીસ બેડામાં ખડભડાટ મચી જવા પામ્યો છે. કોર્ટે ગુજરાત સરકારને છ અઠવાડિયાનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટ આ મામલે 15 માર્ચે સુનાવણી કરશે.

અગાઉ ઉપરોક્ત અરજીની સુનાવણી નવેમ્બર 2022માં થઈ હતી. સુપ્રીમ કોર્ટે ત્યારે કહ્યું હતું કે જસ્ટિસ એચએસ બેદી કમિટિ દ્વારા દાખલ કરાયેલા રિપોર્ટ પર વધુ કોઈ નિર્દેશ જારી કરવાની જરૂર છે કે કેમ તે અંગે વિચાર કરવાની જરૂર છે. કમિટીએ 2002 અને 2006 વચ્ચે ગુજરાતમાં કથિત નકલી એન્કાઉન્ટરના અનેક કેસોની તપાસ કરી હતી.

જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ અભય એસ ઓકની બેંચ વરિષ્ઠ પત્રકાર બી.જી. વર્ગીસ અને ગીતકાર જાવેદ અખ્તર દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલની સુનાવણી કરી રહી છે. જેમાં કથિત નકલી એન્કાઉન્ટરોની તપાસ કરવાની વિનંતી કરવામાં આવી છે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ખંડપીઠને જણાવ્યું હતું કે આ મામલે કંઈ બાકી નથી કારણ કે રિપોર્ટ સબમિટ થઈ ગયો છે. બેન્ચે કહ્યું હતું કે, માત્ર એક જ વાત છે કે શું રિપોર્ટના સંદર્ભમાં કોઈ દિશા આપવાની જરૂર છે? અમે જાન્યુઆરી, 2023માં આ બાબતની યાદી બનાવીશું કે રિપોર્ટના સંદર્ભમાં આગળ કોઈ નિર્દેશ જારી કરવામાં આવે કે કેમ.

તુષાર મહેતાએ કહ્યું હતું કે બંને અરજદારો ગુજરાતના નથી, અને એ જોવાની જરૂર છે કે શું આવા કેસમાં રિટ પિટિશન દાખલ કરી શકાય? બેન્ચે કહ્યું હતું કે હવે ઘણું પાણી વહી ગયું છે અને આ પ્રશ્ન શરૂઆતમાં જ ઊભો થવો જોઈતો હતો.

મહેતાએ કહ્યું હતું કે અરજીમાં અરજદારોએ કથિત નકલી એન્કાઉન્ટરોને લઈને ચોક્કસ રાજ્ય અને ચોક્કસ રાજકીય પક્ષના કાર્યકાળને નિશાન બનાવ્યો છે. ખંડપીઠે કહ્યું હતું કે વર્ગીસ હવે નથી અને તેથી મામલો અહીં જ છોડી દેવો જોઈએ.

વાસ્તવમાં બેદી સમિતિની રચના 2019માં કરવામાં આવી હતી. સમિતિએ તપાસ કરાયેલા 17 કેસમાંથી ત્રણમાં પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા તેમના અંતિમ અહેવાલમાં, જસ્ટિસ બેદીએ કહ્યું હતું કે પ્રથમ નજરે ત્રણ લોકો - સમીર ખાન, કાસમ જાફર અને હાજી હાજી ઈસ્માઈલ - ગુજરાત પોલીસ અધિકારીઓ દ્વારા નકલી એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. સમિતિએ કુલ નવ પોલીસ અધિકારીઓ સામે આરોપ મૂક્યા છે, જેમાં ઇન્સ્પેક્ટર રેન્કના ત્રણ અધિકારીઓનો સમાવેશ થાય છે.

કોર્ટે 2002 થી 2006 દરમિયાન ગુજરાતમાં થયેલા 17 એન્કાઉન્ટરની તપાસ કરતી મોનિટરિંગ કમિટીના અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ બેદીની નિમણૂક કરી હતી. સમિતિએ ફેબ્રુઆરી 2021માં સીલબંધ પરબીડિયામાં સુપ્રીમ કોર્ટને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો.

અગાઉ, સુપ્રીમ કોર્ટ નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાતના કથિત 22 નકલી એન્કાઉન્ટર કેસોની અરજી પર સુનાવણી કરવા સંમત થઈ હતી.

(9:53 pm IST)