Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

એક લોકસભા અને 6 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત

તમામ બેઠક પર 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે મતગણતરી 2 માર્ચે કરવામાં આવશે

નવી દિલ્હી ;ચૂંટણી પંચે ત્રણ રાજ્ય (ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય)માં વિધાનસભા ચૂંટણીની તારીખની સાથે સાથે 7 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટા ચૂંટણીની તારીખની પણ જાહેરાત કરી હતી. એક લોકસભા બેઠક અને 6 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તમામ બેઠક પર 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે મતગણતરી 2 માર્ચે કરવામાં આવશે.

આ બેઠકમાં લક્ષદીપ (એસટી) લોકસભા બેઠક સામેલ છે. જ્યારે વિધાનસભા બેઠકોમાં અરૂણાચલ પ્રદેશની લુમલા, ઝારખંડની રામગઢ, તમિલનાડુની ઇરોડ (ઇસ્ટ), પશ્ચિમ બંગાળની સાગરડિગ્હી, મહારાષ્ટ્રની કસ્બા પેઠ અને ચિંચવાડ બેઠક સામેલ છે.

 

લક્ષદીપ (એસટી) લોકસભા બેઠક પર સાંસદ મોહમ્મદ ફૈઝલને અયોગ્ય જાહેર કરવાને કારણે પેટા ચૂંટણી યોજાઇ રહી છે. મોહમ્મદ ફૈઝલને તાજેતરમાં કેન્દ્ર શાસિત પ્રદેશની એક કોર્ટે હત્યાના પ્રયાસ મામલે દોષી ઠેરવ્યા હતા. અરૂણાચલ પ્રદેશની લુમલા બેઠક પર ભાજપના ધારાસભ્ય જામ્બે તાશીના મોતને કારણે પેટા ચૂંટણી યોજાઇ રહી છે.

ઝારખંડની રામગઢ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય મમતા દેવીને અયોગ્ય જાહેર કર્યા બાદ પેટા ચૂંટણી યોજાઇ રહી છે, તેમણે એક ગુનાહિત કેસમાં દોષી ગણવામાં આવ્યા હતા. તમિલનાડુની ઇરોડ (ઇસ્ટ) બેઠક પર ધારાસભ્ય થિરૂ ઇ થિરૂમહાન એવરાના મોતને કારણે પેટા ચૂંટણી યોજાઇ રહી છે. પશ્ચિમ બંગાળની સાગરડિગ્હી પર ધારાસભ્ય સુબ્રત સાહાના મોતને કારણે પેટા ચૂંટણી યોજાઇ રહી છે. મહારાષ્ટ્રની કસ્બા પેઠ બેઠક પર ધારાસભ્ય મુક્તા શૈલેષ તિલકના મોત અને ચિંચવાડ બેઠક પર ધારાસભ્ય લક્ષ્મણ પાંડુરંગ જગતાપના મોત બાદ પેટા ચૂંટણી યોજાઇ રહી છએ.

(10:07 pm IST)