Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં વિવિધ સેવાઓ ઉપરના નિયંત્રણ મુદ્દે કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે ચુકાદો અનામત રાખ્યો

નવી દિલ્હી :  સુપ્રીમ કોર્ટે દેશની રાજધાની દિલ્હીમાં વિવિધ સેવાઓ ઉપરના નિયંત્રણ માટે કેન્દ્ર અને દિલ્હી સરકારની વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતા ધરાવતી પાંચ જજોની બનેલી બંધારણીય ખંડપીઠે ચુકાદો અનામત રાખતા પહેલા સળંગ સાડા ચાર દિવસ સુધી કેન્દ્ર અને દિલ્હી સરકારનું પ્રતિનિધિત્ત્વ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતા અને વરિષ્ઠ વકીલ  એ એમ સિંઘવીની દલીલો સાંભળી હતી.


અરવિંદ કેજરીવાલના નેતૃત્ત્વવાળી આમ આદમી પાર્ટી સરકાર વતી હાજર રહેલા વકીલ સિંઘવીએ જણાવ્યું હતું કે હવે હું આશા રાખું છું કે આ વખતે સ્પષ્ટ થઇ જશે કે કોની પાસે કઇ કઇ સત્તા છે. સુપ્રીમ કોર્ટે સર્વિસિઝના નિયંત્રણ મુદ્દે કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદ સંબધી કેસ ૯ જજોની બનેલી લાર્જર બેન્ચને મોકલવા માટે કેન્દ્રને વધારાની દલીલો રજૂ કરવાની પરવાનગી આપી છે.

(12:47 am IST)