Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

વિનેશ ફોગાટે WFI અધ્યક્ષ બ્રિજ ભુષણ શરણ સિંહે અનેક મહિલા ખેલાડીઓનું શારીરિક શોષણ કર્યુ હોવાનો આરોપ લગાવ્યો

વિનેશની સાથે અન્ય રેસલર્સે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ-ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો :દિલ્હીના જંતર-મંતર મેદાન ખાતે વિરોધ પ્રદર્શન કર્યું 

દેશની જાણીતિ મહિલા કુસ્તિબાજ વિનેશ ફોગાટે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર ગંભીર આરોપ લગાવીને સનસનાટી મચાવી દીધી છે. વિનેશ ફોગાટે બ્રિજ ભુષણ શરણ સિંહ પર અનેક મહિલા ખેલાડીઓનું શારીરિક શોષણ કર્યુ હોવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ દેશના ટોચના કુસ્તીબાજોએ આજે રાજધાની દિલ્હીના જંતર-મંતર મેદાન ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. 

વિનેશની સાથે અન્ય રેસલર્સે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. આ બાબતે કુસ્તીબાજ વિનેશ ફોગાટનું કહેવું હતું કે, જ્યાં સુધી પ્રમુખ બદલાશે નહીં ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે. બ્રિજ ભૂષણ સિંહ ભાજપના સાંસદ પણ છે.

ભારતીય કુસ્તીબાજ અને ઓલિમ્પિયન વિનેશ ફોગાટનું કહેવું છે કે, મહિલા કુસ્તીબાજોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કુસ્તી સંઘના પ્રમુખે મહિલા ખેલાડીઓનું શોષણ કર્યું છે. ફેડરેશન બળજબરીથી ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકે છે જેથી કરીને ખેલાડી રમી ન શકે. જો કોઇપણ ખેલાડીને કંઇક થશે તો તેના માટે રેસલિંગ એસોસિએશનના પ્રમુખ જવાબદાર રહેશે. જંતર-મંતર ખાતે આ વિરોધ પ્રદર્શનમાં ઓલિમ્પિક મેડલ જીતનાર સાક્ષી મલિક અને બજરંગ પુનિયા જેવા ખેલાડીઓ સામેલ થયા હતા. લગભગ બે ડઝન કુસ્તીબાજો હડતાળ પર બેઠા હતા.

ઓલિમ્પિયન કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું હતું કે, તે કુશ્તીને આ પ્રકારના કિચડમાંથી બચાવવા માંગે છે. ખેલાડીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. તેણે કહ્યું હતું કે, એક-બે દિવસ પહેલા નિયમો બનાવવામાં આવે છે જે ખેલાડીઓ પર લાદવામાં આવે છે. એસોસિએશનના પ્રમુખ જ કોચ અને રેફરીની ભૂમિકા ભજવે છે અને ગેરવર્તન કરે છે. એટલું જ નહીં સ્પોન્સર ટાટા મોટર્સ તરફથી પણ કોઈ મદદ ન મળતાં ખેલાડીઓ લાચારી અનુભવી રહ્યાં છે. જો ફરિયાદ કરવામાં આવે ઉલટાની ખેલાડીઓ સામે જ કાર્યવાહી કરવામાં આવે છે.

કુસ્તીબાજોના આરોપો પર ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ધરણા યોજવામાં આવ્યા હોવાની મને ખબર પડી  હતી, પરંતુ આરોપ શું છે તેની મને કોઈ જ જાણકારી નહોતી, પરંતુ ધરણાની જાણ થતા હું તરત જ ફ્લાઈટ ટિકિટ લઈને આવ્યો છું. વિનેશે જે સૌથી મોટો આરોપ લગાવ્યો છે, શું કોઈ ખેલાડી સામે આવીને એવું કહી શકે કે ફેડરેશને કોઈપણ એથ્લેટને હેરાન કર્યા? આરોપ લગાવવા વાળુ કોઈ હોવું જોઈએ ને.

તેમણે કહ્યું હતું કે, શું તેમને ગત દસ વર્ષથી ફેડરેશનથી કોઈ સમસ્યા નથી? જ્યારે નવા નિયમો અને વિનિયમો લાવવામાં આવે છે ત્યારે જ મુદ્દાઓ સામે આવે છે. કોઈપણ રમતવીરને હેરાન કરવામાં આવ્યા નથી. જો આમ થયું છે, તો હું મારી જાતને ફાંસી લગાવી દઈશ. આ ધરણા પાછળ મોટા માણસનો હાથ છે, મોટા ઉદ્યોગપતિનો હાથ છે, આ ષડયંત્ર છે.

(1:02 am IST)