Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

પિતાના હત્યારાઓને મેં માફ કરી દીધા છેઃ રાહુલ

વિદ્યાર્થીનીઓ સાથેની વાતચીતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાએ મન ખોલીને વાત કરીઃ કહ્યું કે તેમના પ્રતિ મને કોઈ નફરત નથી

પુડુચેરી, તા. ૧૮ :. પુડુચેરીના નાનકડા રાજયમાં હાલમાં કોંગ્રેસનું શાસન છે પણ અહિં ૪ કોંગી ધારાસભ્યો ખેડવી નખાતા ૧૦ ધારાસભ્યો સાથે કોંગ્રેસનું શાસન લઘુમતીમાં આવી ગયુ છે, ત્યારે અહિં મુલાકાતે આવેલા કોંગ્રેસના સાંસદ, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી દરમિયાન કહ્યું હતુ કે પિતા સ્વ. રાજીવ ગાંધીની હત્યાના આરોપીઓ પ્રત્યે મારા મનમાં કોઈ રોષ કે નફરત નથી. મેં તેમને માફ કરી દીધા છે. તેઓ અહીં પુડુચેરીમાં રાજકીય મહિલા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા.

વાતચીત દરમિયાન એક વિદ્યાર્થીનીએ પૂછયુ હતું કે લીબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ(લીટ્ટે) દ્વારા આપના પિતાની હત્યા કરવામાં આવેલ હતી. આ લોકો માટે તમારા મનની શું ભાવના છે ?

જવાબમાં રાહુલે કહેલ કે હિંસા તમારા પાસેથી કંઈ જ છીનવી શકતી નથી, મને કોઈ પ્રત્યે ગુસ્સો કે નફરત નથી. ચોક્કસ મેં મારા પિતાને ગુમાવી દીધેલ છે અને એ સમય મારા માટે ખૂબ મુશ્કેલ હતો. આ કોઈના હૃદયને અલગ કરી દેવા જેવી બાબત હતી.

તાળિયોના ગડગડાટ વચ્ચે રાહુલે કહ્યું કે 'મને ખૂબ દુઃખ થયેલ, પણ મને ક્રોધ નથી. મન કોઈ જ નફરત કે ગુસ્સો નથી. મેં તેમને માફ કરી દીધા છે.

પોતાના પિતા અને દાદી પૂર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધીને ગુમાવવા છતાં તેઓ રાજકીય દાવ રમી રહ્યા છે. તે સંબંધીત પ્રશ્નોના જવાબમાં રાહુલ ગાંધીએ કહેલ કે 'હિંસા તમારી પાસેથી કશું છીનવી શકતી નથી. મારા પિતા મારામાં જીવિત છે. મારા પિતા મારા માધ્યમથી વાત કરી રહ્યા છે.

  • રાહુલને મોટાભાગની છાત્રાઓએ 'અન્ના' મોટાભાઈ તરીકે સંબોધન કર્યુઃ તેમની ગર્લફ્રેન્ડ અંગે પૂછાતા કહ્યું કે 'ફરી કોઈ વખત વાત !!' મને સર નહિ રાહુલ કહો

પુડુચેરીઃ માછીમાર સમાજના લોકોને મળ્યા બાદ કોંગ્રેસનું ફરી સુકાન સંભાળવા જેમનુ નામ નિશ્ચિત મનાય છે તેવા કોંગી સાંસદ રાહુલ ગાંધીએ ભારતીદાસન પોલીટીકલ વીમેન્સ કોલેજની વિદ્યાર્થીની બહેનો સાથેની વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ 'તેમની' ગર્લફ્રેન્ડ અંગે પૂછાયેલ સવાલના જવાબમાં કહેલ કે મારે ખૂબ સારા મિત્રો છે. જેમા પોલીટીકલ બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો સામેલ છે. જ્યારે તેમની ગર્લફ્રેન્ડ અંગે ફરી સવાલ પૂછાયો તો રાહુલે 'ફરી કોઈ વાર વાત' એમ કહીને સ્માઈલ સાથે આ વાત સિફતપૂર્વક ટાળી દીધેલ.

વાતચીત દરમિયાન વિદ્યાર્થીઓને કહેલ કે તેમને 'સર' કહીને ન સંબોધન કરે પરંતુ 'રાહુલ' કહે. જો કે મોટાભાગના વિદ્યાર્થીઓએ તેમને રાહુલ 'અન્ના' (મોટાભાઈ)ના રૂપમાં સંબોધન કર્યુ હતું.

એક વિદ્યાર્થીનીએ કહેલ કે તેની ઈચ્છા છતા એન્જીનીયરીંગ કોર્સ કરી શકતી નથી. રાહુલે બહેનોને પોતાના સપના પુરા કરવા કહેલ અને મદદનું આશ્વાસન આપેલ.

(10:57 am IST)