Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

હરિયાણા - પંજાબમાં સૌથી વધુ અસર : જમ્મુ-કાશ્મીર પણ પ્રભાવિત : અનેક સ્થળે પોલીસ સાથે ઝપાઝપીના દ્રશ્યો

દિલ્હીથી બિહાર સુધી ખેડૂતોનું હલ્લાબોલઃ ઠેર-ઠેર ટ્રેનો રોકાઇ

રાજસ્થાનમાં જયપુર અને આસપાસના વિસ્તારોમાં ટ્રેક પર ચક્કાજામ : અનેક રેલવે સ્ટેશનો બંધ

નવી દિલ્હી તા. ૧૮ : મોદી સરકારે ઘડી કાઢેલ અને હાલ જેનો અમલ મોકૂફ રખાયેલ તેવા ૩ નવા ખેડૂત કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા રેલરોકો આંદોલનનો ૧૨ વાગ્યે પ્રારંભ થયો. આંદોલન ૪ વાગ્યા સુધી ચાલુ રહેશે એ સંયુકત કિશાન મોરચાએ જણાવ્યું હતું. દેશના અનેક ભાગોમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન ચાલી રહ્યું છે. બિહાર, દિલ્હી, યુપી, પંજાબ, જમ્મુ-કાશ્મીરમાં રેલ રોકો આંદોલનની અસર જોવા મળી છે.

ખેડૂતોના રેલ રોકો અભિયાન વચ્ચે દિલ્હી મેટ્રોના અનેક સ્ટેશનોમાં પ્રવેશની મનાઇ કરી દેવામાં આવી છે. બિહારમાં પણ અનેક સ્થળો રેલરોકો આંદોલનથી પ્રભાવિત થયા છે. અંબાલામાં હજારોની સંખ્યામાં ખેડૂતો રેલવે ટ્રેક પર બેઠેલા જોવા મળ્યા છે. રેલરોકો અભિયાનની અસર જમ્મુ-કાશ્મીરમાં પણ જોવા મળી છે.

દિલ્હી-હરિયાણામાં જવાનોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ગાઝિયાબાદમાં પણ ખેડૂતોની ધમાલ જોવા મળી અનેક સ્થળોએ પોલીસ સાથે ઝપાઝપી જોવા મળી હતી.

રાજસ્થાનના જયપુરમાં ગાંધીનગર રેલવે સ્ટેશન પર દેખાવકારોએ ટ્રેન રોકી દીધી તેમજ અલવરમાં પણ ટ્રેનો રોકીને વિરોધ કરાયો. રાજ્યના ૬ જિલ્લામાં રેલ રોકો આંદોલનની અસર જોવા મળી.

પટણામાં ટ્રેક પર સુતેલા પ્રદર્શનકારીઓની પોલીસે ધરપકડ કરી છે. અંબાલામાં પાટા પર બેઠેલા ખેડૂતોની પોલીસે ધરપકડ કરી છે. ખેડૂતોના રેલ રોકો આંદોલનની અસર અડધો ડઝન ટ્રેન પર દેખાઇ છે.

ખેડૂતોનું રેલ રોકો અભિયાનની અસર દેશભરમાં અલગ અલગ જગ્યાઓ પર દેખાઈ રહી છે. અંબાલામાં સેંકડોની સંખ્યામાં ખેડૂતો ટ્રેક પર બેસી ગયા છે, જયારે દિલ્હીની આસપાસ પણ ખેડૂતોએ ટ્રેક પર કબજો જમાવ્યો છે અને રેલ રોકવાની તૈયારીઓ કરી છે.

ગાઝીપુર બોર્ડરની પાસે મોદીનગર રેલ્વે સ્ટેશન પર પણ ખેડૂતોનો જમાવડો જોવા મળ્યો છે. અલગ અલગ રેલ્વે ટ્રેક પર પોલીસે પણ કાફલો વધાર્યો છે અને સુરક્ષાની વ્યવસ્થા કરી છે. નાંગલોઈ રેલ્વે સ્ટશન પર ખેડૂતોએ રેલ રોકોનું અભિયાન શરૂ કર્યુ હતું જયાં તેમણે ૪ કલાક સુધી રેલ રોકવાની જાહેરાત કરી છે.

બીજી બાજુ ખેડૂતોના રેલ રોકો અભિયાનના પગલે દિલ્હીમાં અમુક જગ્યાઓએ મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્યાં છે. દિલ્હી મેટ્રોની ટિકરી બોર્ડર, પંડિત શ્રી રામ શર્મા, બહાદુરગઢ, બ્રિગેડિયર હોશિયાર સિંહ મેટ્રો સ્ટેશનના એન્ટ્રી અને એગ્ઝિટ ગેટ બંધ કરી દેવાયા છે.આ બાજુ બિહારમાં પણ જન અધિકાર પાર્ટીના

કાર્યકરોએ રેલ રોકો અભિયાન હેઠળ પટના જંકશન પર ટ્રેક પર પોતાના વિરોધ પ્રદર્શન કર્યા હતા.

દિલ્હીનું ખેડૂતોનું રેલ રોકો અભિયાન જમ્મુ-કાશ્મીર સુધી પહોંચ્યું હતું. યુનાઈટેડ કિસાન ફ્રન્ટે જમ્મુના ચન્ની હિમત વિસ્તારમાં પ્રદર્શન કર્યુ હતું.

નવા કૃષિ કાયદા વિરુદ્ઘ ખેડૂતોનું પ્રદર્શન દિલ્હીના સરહદી વિસ્તારોમાં ૮૪ દિવસથી ચાલુ છે. આ બધા વચ્ચે સંયુકત કિસાન મોરચાએ આજે રેલ આંદોલનની જાહેરાત કરી છે. ખેડૂતોએ જાહેરાત કરી છે કે રેલ રોકો અભિયામાં કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં આવશે નહીં. આ બાજુ રેલવેએ પણ ખાસ તૈયારીઓ કરી છે અને રેલવે પ્રોટેકશન સ્પેશિયલ ફોર્સની ૨૦ વધારાની ટુકડી તૈનાત કરી છે.

અત્રે જણાવવાનું કે કૃષિ કાયદા વિરુદ્ઘ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે અત્યાર સુધીમાં ૧૧ રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી. જો કે સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી કાયદા લાગુ કરવા પર રોક લગાવેલી છે અને સરકારે પણ ખેડૂત યુનિયનોને નવા કૃષિ કાયદાના અમલ પર ૧૮ મહિના સુધી રોક લગાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. પરંતુ આંદોલનકારી ખેડૂત સંગઠનો ત્રણ કાયદા રદ કરવાની માગણી પર મક્કમ છે.

ખેડૂતોના રેલ રોકો આંદોલનને જોતા રેલવેએ પણ ખાસ તૈયારીઓ કરી હતી. દેશભરમાં રેલવે પ્રોટેકશન સ્પેશિયલ ફોર્સની ૨૦ વધારાની ટુકડીઓ એટલે કે લગભગ ૨૦ હજાર જવાન તૈનાત કરાયા હતા. મુખ્ય ફોકસ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ પર રખાયું હતું.

(3:06 pm IST)