Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ડેઝર્ટ ફેસ્ટીવલ 'મરૂ મહોત્સવ'માં રાજસ્થાની સંસ્કૃતિ-પરંપરાનો અદ્દભુત નઝારો સર્જાશે

જેસલમેર ખાતે ર૪ થી ર૭ ફેબ્રુઆરી, ર૦ર૧ દરમ્યાન યોજાનાર વિશ્વ વિખ્યાત મહોત્સવમાં સહેલાણીઓ ઉમટી પડશે : 'કોરોના વેકિસનેશન' સફળ થતા પર્યટકો અને ટ્રાવેલ એજન્ટસમાં ખુશીની લહેરઃપ્રવાસન ઉદ્યોગને વેગ મળશે

રાજકોટ તા. ૧૮ : ભારત સહિત સમગ્ર વિશ્વમાં દેશના વિવિધ રાજયોની સંસ્કૃતિ, પરંપરા તથા લોકોની જીવનશૈલી વર્ષોથી આકર્ષણનું કેન્દ્ર રહી છે. સમગ્ર વિશ્વમાં ભારતની સંસ્કૃતિને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યારે સહેલાણીઓ માટે હંમેશા પ્રીફરેબલ એવું રાજસ્થાન રાજય 'કોરોના' પચાવીને ફરી પાછું વિઇમ લાઇટમાં આવી ગયું છે અહીં ફરવા આવનારા પ્રવાસીઓ દ્વારા ટ્રાવેલસ એજન્ટસ સમક્ષ પુછપરછ પણ વધવા લાગી છે. ભારત સરકાર દ્વારા અમલમાં આવેલ 'કોરોના વેકિસનેશન' કાર્યક્રમને પણ સતત સફળતા મળતા પ્રવાસીઓ તથા ટ્રાવેલ એજન્ટસના ચહેરા ઉપર ખુશીની લહેર ફેલાઇ ગઇ છે.

રાજસ્થાનના જેસલમેર ખાતે ર૪ થી ર૭ ફેબ્રુઆરી, ર૦ર૧ એમ ચાર દિવસો દરમ્યાન વિશ્વ વિખ્યાત ડેઝર્ટ ફેસ્ટીવલ 'મરૂ મહોત્સવ' યોજવાની તંત્ર દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે 'મરૂ મહોત્સવ' માં રાજસ્થાની લોક સાંસ્કૃતિ અને પરંપરાનો અદ્દભુત નઝારો માણવા માટે સમગ્ર દેશમાંથી સહેલાણીઓ ઉમટી પડશે તેવી પ્રબળ આશા સેવાઇ રહી છે.

રાજસ્થાન સરકાર દ્વારા વિખ્યાત 'મરૂ મહોત્સવ' ના આયોજનને મંજુરી મળતા જેસલમેરના પ્રવાસનો ઉદ્યોગ સાથે સંકળાયેલ લોકો રાજી થઇ ગયા છે. જેસલમેરના જીલ્લા કલેકટર શ્રી આશીષ મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા થોડા દિવસોથી આ ડેઝર્ટ ફેસ્ટીવલ યોજવા માટે ગંભીરતા પૂર્વક વિચારણા ચાલી રહી હતી.

ગયા વખતની માફક આ વર્ષે પણ પ્રથમ દિવસ 'પોકરણ'ના નામે રહેવાની ધારણા છે. અન્ય આકર્ષક કાર્યક્રમોને પણ આખરીઓપ આપવાની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે મહોત્સવના ચાર દિવસ દરમ્યાન જેસલમેર સહિત સમગ્ર રાજસ્થાનની લોક સંસ્કૃતિના વિવિધ રંગોની છાંટ જોવા મળશે.

જેસલમેરના 'મરૂ મહોત્સવ' દશકાઓથી સમગ્ર દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે માઘ મહિનાના શુકલ પક્ષની ત્રયોદશીથી પૂર્ણિમાં સુધી ચાલતા આ ડેઝર્ટ ફેસ્ટીવલમાં સમગ્ર વિશ્વમાંથી લોકો ઉમળકાભેર જોડાતા હોય છે જો કે આ વખતે કોવિડ-૧૯ ના કારણે ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ ઉપર નિયંત્રણ છે એટલે ભારતના વિવિધ રાજયોમાંથી પ્રવાસીઓ આવશે તે હકીકત છે.

અત્રેએ ઉલ્લેખનીય છે કે કોરોનાની વેકિસન આવ્યા પહેલા પણ ગત દિવાળી, ક્રિસમસ તથા નવા વર્ષના પ્રારંભ દરમ્યાન દેશમાંથી હજ્જારો સહેલાણીઓ રાજસ્થાન ફરવા માટે આવ્યા હોવાનું જાણવા મળે છે. 'મરૂ મહોત્સ્વ' દરમ્યાન પણ પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળવાની આશા છે.

જેસલમેર, મસ, ખુહડી, પોકરણ સહિતના અન્ય ક્ષેત્રોમાં આવેલ પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલ લોકોને ઘણો ફાયદો થવાની શકયતા છે (રાજસ્થાન પત્રિકામાંથી સાભાર)(૬.૨૩)

મહોત્સવને સફળ બનાવવા માટે કોઇ કચાશ નહીં: આશીષ મોદી

જેસલમેરના જીલ્લા કલેકટર શ્રી આશીષ મોદીએ જણાવ્યું હતું કે 'મરૂ મહોત્સવ'ને સફળ બનાવવા માટે કોઇ કચાશ રાખવામાં નહીં આવે. મહોત્સવના આયોજન માટેની મંજુરી મળી જતા દર  વર્ષ કરતા વધુ સારો મહોત્સવ થાય તે માટે પ્રયાસ કરવામાં આવશે. સંબંધિત પક્ષો સાથે વિચાર વિમર્શ કરીને કાર્યક્રમોને અંતિમરૂપ આપવાનું પણ શ્રી આશીષ મોદીએ જણાવ્યું હતું.

(3:14 pm IST)