Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

બંગાળમાંથી મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમુલને ઉખાડી ફેંકવામાં આવશે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ કાકદ્વીપમાં ૫મી પરિવર્તન રેલીને લીલી ઝંડી દેખાડી : ભાજપની સરકાર બને તો બંગાળના સરકારી કર્મીઓને ૭માં પગાર પંચનો લાભ : શિક્ષકોને યોગ્ય માપદંડ મળે તે માટે ભાજપ કમિટીની રચના કરશે

કોલકાતા, તા. ૧૮ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરૂવારે દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાના કાકદ્વીપ ખાતે ભાજપની ૫મી પરિવર્તન રેલીને લીલી ઝંડી દેખાડી હતી. ત્યાર બાદ તેમણે દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાં એક રેલીને સંબોધિત કરી હતી અને મમતા બેનર્જીને પશ્ચિમ બંગાળમાંથી તૃણમૂલ કોંગ્રેસને ઉખાડી ફેંકવામાં આવશે તેવો પડકાર ફેંક્યો હતો.

રેલીને સંબોધિત કરતી વખતે અમિત શાહે જનતાને પરિવર્તન માટે અપીલ કરી હતી. પશ્ચિમ બંગાળની જનતાને ઉદ્દેશીને અમિત શાહે કહ્યું હતું કે, તમે એક વખત બંગાળમાં ભાજપની સરકાર બનાવી જુઓ, બંગાળના તમામ સરકારી કર્મચારીઓને ૭મા પગારપંચનો લાભ આપવામાં આવશે. શિક્ષક ભાઈઓને યોગ્ય માપદંડ મળે તે માટે ભાજપ સરકાર એક કમિટીની રચના કરશે.

અમિત શાહે કહ્યું કે, બંગાળમાં જે રાજકીય હિંસાઓ થાય છે તેમાં ભાજપના ૧૩૦ કાર્યકરો માર્યા ગયા. મમતા દીદી એવું વિચારે છે કે, કોઈને મારી નાખવાથી ભાજપ અટકી જશે. હું તેમને કહેવા માંગુ છું કે, મમતા દીદી તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓએ અમારા ૧૩૦ કાર્યકરોને મારી નાખ્યા છે પણ તેમની શહીદી વ્યર્થ નહીં જાય. બંગાળની ધરતી પર સંપૂર્ણ તાકાત સાથે કમળ ખીલવાનું છે.

રેલીમાં અમિત શાહે મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમના ભત્રીજા તથા પાર્ટીના સ્થાનિક સાંસદ અભિષેક બેનર્જી પર નિશાન સાધ્યું હતું. અમિત શાહે કહ્યું કે, ટીએમસીનો એક નારો છે, ભત્રીજાને આગળ વધારો. ટીએમસીના મનમાં ભત્રીજાના કલ્યાણ સિવાય કોઈ અભિલાષા નથી. નરેન્દ્ર મોદીજીનો નારો છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ.*

અમિત શાહે જય શ્રી રામના નારાને તૃષ્ટિકરણની વિરૂદ્ધનો ગણાવીને ભાજપ તે નારાને ઘેર-ઘેર પહોંચાડશે તેમ કહ્યું હતું અને સાથે પશ્ચિમ બંગાળમાં મહિલાઓને ૩૩ ટકાથી વધારે આરક્ષણ મળશે તેવું વચન આપ્યું હતું. તેમણે લોકોને મમતાના ગુંડાઓથી ડરવાની જરૂર નથી અને ચૂંટણીના દિવસે એક પણ ગુંડો રસ્તા પર નહીં દેખાય તેમ કહીને એક વખત ભાજપને તક આપશો તો વર્ષમાં બંગાળની કાયાપલટ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

અમિત શાહે જો ભાજપની સરકાર બનશે તો ઘૂસણખોરો નહીં એક ચકલું પણ ખોટી રીતે પ્રવેશ નહીં કરી શકે તેવો હુંકાર ભણ્યો હતો. સાથે મોદીજીએ બંગાળના વિકાસ માટે જે પૈસા મોકલ્યા તે મમતા દીદીની સિંડિકેટ ખાઈ ગઈ તેવો આક્ષેપ કર્યો હતો. તેમણે અમ્ફાન તોફાન વખતે કેન્દ્ર સરકાર દ્વારા જે પૈસા મોકલવામાં આવ્યા તેને ટીએમસીના ગુંડાઓ દબાવી ગયા હોવાનો દાવો કર્યો હતોઅમિત શાહની રેલીથી થોડે દૂર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ સાઉથ ૨૪ પરગણા જિલ્લામાં પાર્ટીના કાર્યકરોને સંબોધિત કર્યા હતા. તે  સમયે તેમનો ભત્રીજો અભિષેક  બેનર્જી પણ ઉપસ્થિત રહ્યો હતો. શાહ અને દીદી એક જિલ્લામાં રેલીઓ સંબોધિત કરી રહ્યા હોય તેને ટીએમસીના એક વરિષ્ઠ નેતાએ રાજકીય રીતે મહત્વનો દિવસ ગણાવ્યો હતો.

બંગાળની બે દિવસીય મુલાકાતે આવેલા અમિત શાહે ગુરૂવારે સવારે કોલકાતામાં ભારત સેવાશ્રમ સંઘ ખાતે પૂજા કરીને પોતાના કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેમણે ગંગાસાગરના કપિલ મુનિ આશ્રમ અને ગંગાસાગર ખાતે પૂજા-અર્ચના કરી હતી અને પછી ભાજપની ૫મી પરિવર્તન યાત્રાને લીલી ઝંડી દેખાડી હતી.

૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં રાજ્યની ૪૨ લોકસભા બેઠકોમાંથી ૧૮ પર વિજય મેળવીને ભાજપ સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસનું મુખ્ય પ્રતિદ્વંદી બનીને ઉભરી આવ્યું છે. લોકસભા ચૂંટણીમાં ટીએમસીએ ૨૨ બેઠકો પર વિજય મેળવ્યો હતો જ્યારે ભાજપ તેનાથી માત્ર બેઠક દૂર રહ્યું હતું.

(7:38 pm IST)