Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

રિયાસીના જંગલમાંથી સેનાને શસ્ત્રોનો મોટો જથ્થો મળ્યો

ત્રાસવાદીઓ સામે ભારતીય સેનાનું સતત અભિયાન : ભારતીય સેના, કાશ્મીર પોલીસે ૧૭-૧૮ ફેબ્રુઆરીના રોજ સંયુક્ત અભિયાન ચલાવ્યું જેમાં મોટી સફળતા મળી

નવી દિલ્હી, તા. ૧૮ : જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાનું આતંકવાદીઓ વિરૂદ્ધનું અભિયાન સતત ચાલું છે અને ફરી એક વખત સુરક્ષા દળોને અભિયાનમાં મોટી સફળતા હાથ લાગી છે. રિયાસી જિલ્લાના ગાઢ જંગલોમાંથી સેનાને હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો હતો જેને જપ્ત કરવામાં આવ્યો છે.

ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે ૧૭ અને ૧૮ ફેબ્રુઆરીના રોજ એક સંયુક્ત અભિયાન ચલાવ્યું હતું જેમાં હથિયારોનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. સુરક્ષા દળોને ૧૭મી ફેબ્રુઆરીની સાંજે કેટલીક શંકાસ્પદ ગતિવિધિની જાણકારી મળી હતી જેથી ઓપરેશનની શરૂઆત કરવામાં આવી હતી. ઓપરેશન દરમિયાન એકે-૪૭ રાઈફલ, એસએલઆર રાઈફલ, ૩૦૩ રાઈફલ, મેગેઝીન સાથે પિસ્તોલ, યુબીજીએલ ગ્રેનેડ, એકે-૪૭ના કારતૂસો અને રેડિયો સેટનું એક બોક્સ મળી આવ્યું હતું.

તરફ જમ્મુ કાશ્મીર એસઓજીના અધિકારીઓ અને વિશેષ પોલીસ અધિકારી (એસપીઓ) ઘાટીમાં નવા આતંકવાદી સંગઠનની રડાર પર છે જેને લઈ ગુપ્તચર એજન્સીઓએ સુરક્ષાસંબંધી ચેતવણી આપેલી છે. એજન્સીના અહેવાલ પ્રમાણે કાશ્મીર લિબરેશન વોરિયર્સ નામના એક નવા આતંકવાદી સંગઠને ગત મહિને ટેલિગ્રામ એપ પર જમ્મુ કાશ્મીર પોલીસને ઉદ્દેશીને ધમકીભર્યો પત્ર 'શહીદ નાઈકૂ મીડિયા ગ્રુપ'માં પોસ્ટ કર્યો હતો.

(7:39 pm IST)