Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ખેડૂતોના રેલ રોકો આંદોલનની દેશભરમાં નહિવત અસર : હવે ટ્રેનોનું સંચાલન સામાન્ય : ભારતીય રેલ્વે

કેટલાક વિસ્તારોમાં કેટલીક ટ્રેનો રોકી દેવામાં આવી હતી પરંતુ હવે ટ્રેનોનું સંચાલન સામાન્ય છે

નવી દિલ્હી : ભારતીય રેલ્વેએ ગુરુવારે જણાવ્યું હતું કે, કોઈ પણ અણબનાવ બન્યા વિના ખેડૂતોના રેલ રોકો આંદોલનનો અંત આવી ગયો છે. દેશભરમાં કાર્યરત ટ્રેનોના કામકાજની નહિવત અસર જોવા મળી. તમામ ઝોનમાં હવે ટ્રેનોનું સંચાલન સામાન્ય થઈ ગયું છે. કેટલાક વિસ્તારોમાં કેટલીક ટ્રેનો રોકી દેવામાં આવી હતી પરંતુ હવે ટ્રેનોનું સંચાલન સામાન્ય છે.

રેલ્વે બોર્ડના પીઆર એડીજી ડી.જે.નારાયણે જણાવ્યું હતું કે, રેલ રોકો આંદોલનને દેશભરની ટ્રેનોના સંચાલન પર થોડી અસર પડી છે. હવે તમામ ઝોનમાં ટ્રેનોની અવરજવર સામાન્ય છે. તેમણે કહ્યું કે, આંદોલનકારીઓ દ્વારા રેલ્વેના મોટાભાગના ઝોન પરથી કોઈ ટ્રેન રોકી નથી. જોકે કેટલાક વિસ્તારોમાં કેટલાક ઝોનલ રેલ્વેએ કેટલીક ટ્રેનોને અટકાવી દીધી હતી, હવે ટ્રેનનું કામકાજ સામાન્ય છે અને ટ્રેનો સુગમ રીતે કાર્યરત છે. રેલ્વેનું કહેવું છે કે, તેણે રેલ્વે રોકો આંદોલનને પહોંચી વળવા ભારે ધૈર્યનો ઉપયોગ કર્યો હતો.

ઉત્તર રેલ્વેના પ્રવક્તા દીપક કુમારે જણાવ્યું હતું કે, ખેડુતોની રેલ રોકો ઝુંબેશને કારણે ઉત્તર પ્રદેશ, હરિયાણા અથવા પંજાબમાં રેલ સેવાઓ પર કોઈ મોટી અસર થઈ નથી. તેમણે કહ્યું હતું કે, આંદોલનને કારણે ઉત્તર રેલ્વેના અધિકાર વિસ્તારમાં આવતા 650 ટ્રેનોમાંથી 20 જેટલી ટ્રેનોને સમસ્યા આવી હતી, જેની સેવા ને થોડા સમય માટે અવરોધિત કરી હતી.

(9:35 pm IST)