Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

ભોપાલમાં કોંગ્રેસના ધારાસભ્યની ગર્લફ્રેન્ડનો બંગલામાં ગળેફાંસો ખાઈને આપઘાત : સ્યુસાઇડ નોટમાં લખ્યું - હવે હું સહન નહીં કરી શકું

ભોપાલ: મધ્ય પ્રદેશના પૂર્વ વન મંત્રી અને ગંધવાનીથી કોંગ્રેસના ધારાસભ્ય ઉમંગ સિંઘારના રાજધાની ભોપાલના શાહપુરા વિસ્તારમાં આવેલા બંગલામાં એક મહિલાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. મહિલાની ઓળખ 39 વર્ષની સોનિયા ભારદ્વાજ તરીકે થઈ છે, જે મૂળ હરિયાણાની છે.

આ અંગેની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલી શાહપુરા પોલીસને મહિલાના પર્સમાંથી એક સ્યૂસાઈડ નોટ મળી હતી. જેમાં સિંઘારનો ઉલ્લેખ છે. આ સાથે તેમની જિંદગીનો હિસ્સો ના બની શકવા બદલ અફસોસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

પોલીસને મહિલાના પર્સમાંથી મળેલી સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું કે, તમને ખૂબ જ ગુસ્સો આવે છે, હવે હું સહન નહીં કરી શકું. હાલ પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.

જો કે સ્યૂસાઈડ નોટના આધારે પ્રાથમિક અનુમાનમાં પોલીસનું કહેવું છે કે, કેસ આપઘાત સાથે સંકળાયેલો છે. જ્યારે મહિલાએ પોતાની આત્મહત્યા માટે કોઈને જવાબદાર ઠેરવ્યા નથી. હાલ તપાસ બાદ જ વધારે કંઈ કહી શકાશે. બીજી તરફ મંત્રી ઉમંગ સિંઘારનું કહેવું છે કે, હું ખુદ હેરાન છું કે, સોનિયાએ કેમ આવું પગલું ભર્યું?

શાહપુરા પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર મહેન્દ્ર મિશ્રાના જણાવ્યા મુજબ, શાહપુરા સ્થિત મકાન નંબર 238 પૂર્વ મંત્રી ઉમંગ સિંઘારનો જ બંગલો છે. સોનિયા ભારદ્વાર હરિયાણાના અંબાલામાં રહેતી હતી અને તેનો પતિ સંજીવ પણ અંબાલામાં જ રહે છે. સોનિયાને 20 વર્ષનો એક પુત્ર પણ છે.

સોનિયા છેલ્લા 25 દિવસોથી ઉમંગ સિંઘારના બંગલામાં રોકાઈ હતી. પૂર્વ મંત્રીની સોનિયા સાધે મુલાકાત દિલ્હીમાં થઈ હતી. અત્યાર સુધીની પૂછપરછમાં સામે આવ્યું કે, ઉમંગ સિંઘાર જલ્દી સોનિયા સાથે લગ્ન કરવાના હતા. તેમની ઓળખ એક મેટ્રિમોનિયલ વેબસાઈટના માધ્યમથી થઈ હતી. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, તેમના લગ્ન ક્યારે થવાના હતા?

બંગલાના નોકર ગણેશની પત્ની રોજની જેમ રવિવારે પણ બંગલા સાથે ઑફિસની સફાઈ કરવા અને સોનિયાને ખાવાનું પૂછવા માટે ગઈ હતી. આ સમયે દરવાજો અંદરથી બંદ હતો. આથી તેણે પતિને બોલાવતા વાતની જાણ ઉમંગ સિંઘારને કરવામાં આવી હતી. જે બાદ કોંગ્રેસ નેતાએ કેટલાક ઓળખીતાઓ અને કર્મચારીઓને બંગલા પર મોકલ્યા અને દરવાજો ખોલીને જોયું તો, સોનિયાએ દરવાજા પર બનેલી ગ્રિલ સાથે દુપટ્ટાથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકેલી હતી. જેને નીચે ઉતરવામાં આવી, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ચૂક્યું હતું.

જે બાદ પોલીસને સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે, આ સંદર્ભે મૃતકના પરિવારજનોને જાણકારી કરી દેવામાં આવી છે. આ સાથે જ મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(12:00 am IST)