Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વોટ્સએપની પ્રાઈવસી પોલિસી ભારતના આઈટી કાયદાને અનુરૂપ નથી : યુઝર્સના સંવેદનશીલ ડેટા પર અસર થઈ શકે

દિલ્હી હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારે આપ્યો જવાબ : કંપની પ્રાઈવસી પોલિસીમાં ભેદભાવ કરે છે

નવી દિલ્હી :વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી અંગે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. દિલ્હી હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારે આ મુદ્દે જવાબ આપતા કહ્યું હતું કે વોટ્સએપની પ્રાઈવસી પોલિસી ભારતના આઈટી કાયદાને અનુરૃપ નથી. તેનાથી યુઝર્સના સંવેદનશીલ ડેટા પર અસર થઈ શકે છે.
સોશિયલ મીડિયા કંપની વોટ્સએપે ૧૫મીથી નવી પ્રાઈવસી પોલિસી લાગુ કરી છે. ઘણાં યુઝર્સ તેને સ્વીકારી ચૂક્યા છે અને એ સિવાયના અસંખ્ય યુઝર્સ તેનો વિરોધ કરી રહ્યા છે. કંપની સતત યુઝર્સને નોટિફિકેશન આપીને પ્રાઈવસી પોલિસી સ્વીકારી લેવાનું દબાણ વધારી રહી છે. એ મુદ્દે દિલ્હી હાઈકોર્ટમાં અરજી થઈ હતી. તે અરજીના સંદર્ભમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને ફેસબુક-વોટ્સએપને જવાબ આપવાની તાકીદ કરી હતી. એ મુદ્દે કેન્દ્ર સરકારે જવાબ આપતા કહ્યું હતું કે વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી ભારતના આઈટી કાયદાને અનુરૃપ નથી. તેનાથી યુઝર્સના ડેટા પર ખતરો વધશે. કેન્દ્ર સરકારે તો ત્યાં સુધી કહ્યું હતું કે વોટ્સએપે યુરોપ-અમેરિકાના યુઝર્સ માટે જે ધારાધોરણ રાખ્યા છે એવાં ધારાધોરણ ભારતના યુઝર્સ માટે રાખ્યા નથી. કંપની પ્રાઈવસી પોલિસીમાં ભેદભાવ કરી રહી છે.
બીજી તરફ વોટ્સએપે કહ્યું હતું કે ભારતના આઈટી કાયદાનું પ્રાઈવસી પોલિસીમાં કોઈ જ ઉલ્લંઘન થતું નથી. કંપની યુઝર્સને ફરજ પાડી રહી નથી. જે યુઝર્સે પ્રાઈવસી પોલિસી હજુ સુધી સ્વીકારી નથી તેમને નોટિફિકેશન આપીને કંપની તેમને નવી પોલિસી માટે પ્રોત્સાહિત કરી રહી છે. ટેકનોલોજીની અન્ય કંપનીઓએ જેવી પોલિસી લાગુ કરી છે એવી જ પોલિસી વોટ્સએપની પણ છે એવો બચાવ કંપનીએ કર્યો હતો.
જોકે, વોટ્સએપે એવી ખાતરી આપી હતી કે જે યુઝર્સે હજુ સુધી પ્રાઈવસી પોલિસી સ્વીકારી નથી, તેમના એકાઉન્ટ્સ ડિલિટ કરવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે અગાઉ વોટ્સએપે એવી જાહેરાત કરી હતી કે ૧૫મી મે સુધીમાં જે યુઝર્સ પ્રાઈવસી પોલિસી સ્વીકારશે નહીં, તેમના એકાઉન્ટ્સને ડિલિટ કરવામાં આવશે. તે પછી વોટ્સેએપે એવું પણ કહ્યું હતું કે એવા યુઝર્સને લિમિટેડ એક્સેસ આપવામાં આવશે.
દિલ્હી હાઈકોર્ટમાં આ મુદ્દે ત્રીજી જૂને વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યાં સુધીમાં હાઈકોર્ટ સમક્ષ વોટ્સએપ-ફેસબુકે વધુ સ્પષ્ટતા કરવાની રહેશે.

(12:00 am IST)