Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

પૂણેમાં ૭૬ વર્ષની મૃત કોરોના પોઝિટિવ મહિલા અંતિમ સંસ્કાર વખતે જ થઇ જીવતી અને રડવા લાગી

પૂણે તા. ૧૮ : બારામતી તાલુકાના મુઘલ ગામમાં ૭૮ વર્ષની કોવિડ પોઝિટિવ મહિલાનો અંતિમ સંસ્કારની થોડીક મિનિટ પહેલા જીવ પાછો આવ્યો છે. આ દરમિયાન પરિવાર તેમના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યો હતો. રિપોર્ટસ અનુસાર તે મહિલાનું નામ શકુંતલા ગાયકવાડ છે, બે દિવસ પહેલા તેમનો રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવ્યો હતો અને તે હોમ આઈસોલેટ હતા. ઉંમર વધુ હોવાના કારણે મહિલામાં ગંભીર લક્ષણો જોવા મળી રહ્યા હતા. જેથી ૧૦ મેના રોજ પરિવારજનો મહિલાને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયા હતા. પરિવારજનો હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા કરતા હતા અને તે દરમિયાન મહિલા એમ્બ્યુલન્સમાં જ બેભાન થઈ ગઈ હતી.

એમ્બ્યુલન્સ સ્ટાફે કહ્યું કે મહિલા મૃત્યુ પામી છે અને પરિવારજનોએ તેમના સ્વજનોને પણ આ વાતની જાણકારી આપી હતી. મૃતક મહિલાને ગામમાં લઈ જવામાં આવી અને તેના પરિવારજનો મહિલાના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા. દેહ સંસ્કારની એકદમ પહેલા મહિલાએ તેની આંખો ખોલી અને તે રડવા લાગી. સિલ્વર જયુબિલી હોસ્પિટલના ફાઉન્ડર ડો. સદાનંદ કાલેએ જણાવ્યું કે ત્યારબાદ મહિલાને તાત્કાલિક બારામતીની સિલ્વર જયુબિલી હોસ્પિટલમાં ખસેડવામાં આવી અને તેની સારવાર શરૂ કરાઈ હતી.

આ ઘટનાની પુષ્ટી સ્વાસ્થ્ય ગ્રામીણ અધિકારી સોમનાથ લાંદેએ કરી છે. કોરોનાની પરિસ્થિતિમાં એક અન્ય ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ તેના નિવાસસ્થાન પર માતા અને ભાઈના શબ સાથે બે દિવસ વિતાવ્યા, મહિલાને લાગતું હતું કે તેઓ સૂઈ રહ્યા છે.

આ ઘટના બુધવારે સામે આવી હતી. BEML નિવાસી પ્રવીણે સ્થાનિક પોલીસને બપોરે ૨ વાગ્યે આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે તેના મકાન માલિકના ઘરમાંથી ખૂબ જ ખરાબ વાસ આવી રહી છે. પ્રવીણે પોલીસને ફોન કરતા પોલીસ પીડિતાના ઘરે પહોંચી હતી. દરવાજો તોડતા પોલીસે બે શબ કબ્જે કર્યા, જેમાંથી એક શબ આધેડ ઉંમરના માણસનું હતું અને એક શબ વૃદ્ઘ મહિલાનું હતું.

૪૭ વર્ષની શ્રીલક્ષી નામની મહિલા પણ હતી, જેણે પોતે મૃતકની દીકરી અને બહેન હોવાની ઓળખાણ આપી હતી. શબ કબ્જે કર્યા બાદ બંને શબને પોસ્ટમોર્ટમ માટે વિકટોરિયા હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

(10:32 am IST)