Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

WHOએ આપી ચેતવણી

ભારતે હજુ કોરોનાની અન્ય લહેરનો સામનો કરવો પડશે

નવી દિલ્હી તા. ૧૮ : દેશ કોરોના મહામારીની બીજી લહેરના ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે. દેશમાં છેલ્લા ઘણા દિવસથી લાખો કેસ સામે આવી રહ્યાં છે તો દરરોજ હજારો લોકોના નિધન થઈ રહ્યાં છે. હા છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યામાં જરૂર ઘટાડો થયો છે. આ વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થાએ નવી ચેતવણી જાહેર કરી છે.

આ વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં કોરોનાને લઈને એક ચેતવણી જાહેર કરી છે. WHO ના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, હજુ ભારતમાં કોરોનાની અન્ય લહેરો પણ આવી શકે છે.

તેથી તે મહત્વપૂર્ણ રહેશે કે ભારત આવનારા ૬-૧૮ મહિનામાં કોરોના સંકટનો સામનો કરવા માટે કયા પ્રકારે તૈયારી કરે છે. ભારતમાં કોરોના સંક્રમણને કારણે આવનારા કેટલાક મહિના ખુબ સંવેદનશીલ રહેવાના છે.

એક મીડિયા સંસ્થાને આપેલા ઈન્ટરવ્યૂમાં ડો. સ્વામીનાથને જણાવ્યું- ભારતમાં કોરોના મહામારી જંગમાં ઘણુ તે વાત પર નિર્ભર કરે છે કે કોરોના વાયરસનો કયા પ્રકારે વિકાસ થઈ રહ્યો છે.

તે વાત પર પણ નિર્ભર કરશે કે કોરોનાના અલગ-અલગ વેરિએન્ટ વિરુદ્ઘ કોરોના વેકિસનથી બનનારી ઇમ્યુનિટી કેટલા દિવસ સુધી અસરકારક સાબિત થાય છે.

કોરોના મહામારીના બીજા તબક્કાના અંત પર ડો. સ્વામીનાથને કહ્યું- મહામારીના આ ઘાતક તબક્કાનો અંત જરૂર થશે. વર્ષ ૨૦૨૧ના અંત સુધી અમે આ તબક્કાના સમાપ્ત થવાની આશા કરી શકીએ છીએ.

જયારે વિશ્વની ૩૦ ટકા વસ્તીનું વેકિસનેશન થઈ જશે, ત્યારે આપણે આ સંક્રમણની ઝપેટમાં આવીને થતા મોતોની સંખ્યામાં ઘટાડો જોઈશું.

ડો. સ્વામીનાથને કહ્યું કે, આપણે હાલ કોરોના મહામારીના એક મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છીએ. આ તબક્કામાં હજુ ઘણા મુશ્કેલ પડાવ આવવાના બાકી છે.

તેથી આપણે આ તબક્કામાં સંક્રમણ નિયંત્રણ પર વિચાર કરવો જોઈએ અને આ સાથે મહામારીને ખતમ કરવાના વિષય પર વિચાર કરવો જોઈએ.

(10:35 am IST)