Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

અમેરિકા પછી કોરોનાના ૨.૫ કરોડ કેસ પાર કરનારો ભારત બીજો દેશ

ભારત પછી ૧.૫ કરોડથી વધુ કેસ સાથે બ્રાઝિલ ત્રીજા નંબરે : ભારતમાં લાંબા સમય પછી કોરોનાના એક દિવસમાં નોંધાતા કેસનો આંકડો અઢી લાખની નજીક પહોંચી ગયો

નવી દિલ્હી તા. ૧૮ : ભારતમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. અમેરિકા પછી ભારત બીજો દેશ બન્યો છે કે જયાં કુલ કેસનો આંકડો ૨.૫ કરોડને પાર પહોંચી ગયો છે. આ પછી બ્રાઝિલ દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી વધુ કોરોનાથી અસરગ્રસ્ત દેશ છે કે જયાં દોઢ કરોડથી વધારે કેસ નોંધાયા છે.

અગાઉના આંકડા સાથે સરખામણી કરીએ તો જાણવા મળે છે કે, ૫૦ લાખ કેસ ૧૪ જ દિવસમાં નોંધાયા છે. આ પહેલા ૫૦ લાખ કેસ થતા ભારતમાં ૧૨૧ દિવસનો સમય લાગ્યો હતો. જે પછી કેસમાં ઝડપથી વધારો થવા લાગ્યો હતો.

રવિવાર પછી સોમવારે સતત બીજા દિવસે કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. બીજા દિવસે પણ ત્રણ લાખ કરતા ઓછા કેસ નોંધાયા છે. આ સાથે મૃત્યુઆંક પણ ૪૦૦૦ કરતા ઓછો નોંધાયો છે. રાત્રે ૧૧ વાગ્યા સુધીમાં દેશમાં ૨.૬ લાખ નવા કેસ અને ૩,૭૧૯ મૃત્યુ નોંધાયા છે. નવા કેસમાં મોટો ઘટાડો થવાની સાથે એકિટવ કેસમાં પણ ઘટાડો થઈ રહ્યો છે, જેમાં ૧.૫ લાખનો ઘટાડો નોંધાયો છે, જોકે, હજુ પણ દેશમાં કોરોનાના એકિટવ કેસનો આંકડો ૩૦ લાખની ઉપર જ છે.

રાજય પ્રમાણે નજર કરીએ તો કર્ણાટકામાં સૌથી વધુ ૩૮,૦૦૦ કેસ નોંધાયા છે, આ પછી તામિલનાડુમાં ૩૩,૦૦૦ કેસ સોમવારે નોંધાયા છે. જયારે મહારાષ્ટ્રમાં ૨૬,૬૧૬ અને કર્ણાટકામાં ૨૧,૪૦૨ નવા કેસ નોંધાયા છે. આ સિવાય અન્ય ચાર રાજયોમાં ૧૦,૦૦૦થી ૨૦,૦૦૦ની વચ્ચે કેસ નોંધાયા છે, જેમાં પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને ઓડિશાનો સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશમાં ૧૦,૦૦૦ કરતા ઓછા કેસ નોંધાયા છે જયારે દિલ્હી કોરોનાના કેસનું એપિસેન્ટર બન્યું હતું પરંતુ ત્યાં ૫૦૦૦ કરતા ઓછા કેસ નોંધાયા છે.

દેશના ૧૨ રાજયો છે કે જયાં કોરોનાના એક દિવસમાં ૧૦૦થી વધારે મોત નોંધાયા છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૫૧૬ લોકોના મોત થયા છે, જયારે કર્ણાટકામાં ૪૭૬ના મોત થયા છે. દેશની રાજધાની અને તામિલનાડુમાં ૩૦૦થી વધુના મોત નોંધાયા છે, જયારે ઉત્તરપ્રદેશમાં એક દિવસમાં ૨૮૫ના મોત થયા છે. આ સિવાયના રાજયો કે જયાં ૧૦૦થી વધુના મોત થયા છે તેમાં પંજાબ, રાજસ્થાન, છત્તીસગઢ, પશ્યિમ બંગાળ, ઉત્તરાખંડ, હરિયાણા અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે.

(10:41 am IST)