Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

'તૌકતે' વાવાઝોડુ સાંજે દિલ્હીનું મહેમાન

હવામાન ખાતાની આગાહી પ્રમાણે આજથી દિલ્હીમાં તેજ પવન ફુંકાશે : બુધ ગુરૂ વરસાદી વાતાવરણ

નવી દિલ્હી તા. ૧૮ : રાજધાની દિલ્હી પર આજે મંગળવારથી તૌકતે વાવાઝોડુ ઝળુંબશે. હવામાન ખાતાએ જણાવ્યાનુસાર ચક્રવાતી તોફાનની અસર આજે સાંજથી દિલ્હીમાં દેખાવા માંડશે. તેજ પવન સાથે વરસાદી ઝાપટા પડશે.

દિલ્હીના મોટાભાગના વિસ્તારમાં સોમવારની સવારે જ હળવો વરસાદ પડી ચુકયો છે. વચ્ચે વચ્ચે ઉઘાડ સાથે તડકો પણ જોવા મળે છે. વાદળોની આવન જાવન ચાલુ છે.

હવામાન ખાતાના અનુમાન પ્રમાણે પશ્ચિમી સમુદ્ર કિનારા સાથે અથડાયેલ 'તૌકતે' વાવાઝોડુ આજે સાંજ સુધીમાં દિલ્હી આવી પહોંચશે. જેની અસરથી પૂર્વ રાજસ્થાન અને હરીયાણાના જુદા જુદા સ્થળોએ વરસાદની શકયતા રહેશે.

જયારે દિલ્હીમાં ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાઇ શકે છે. મંગળવારે સાંજે તેજ પવનના સુસવાટા અને બુધવારે તથા ગુરૂવારે વરસાદી માહોલ રહેશે.

પ્રાદેશિક હવામાન કેન્દના પ્રમુખ ડો. કુલદીપ શ્રીવાસ્તવે એવુ જણાવ્યુ છે કે દિલ્હીના વાતાવરણ પર પશ્ચિમી વિક્ષોભનો પ્રભાવ જોવા મળશે. જો કે આ બધુ તૌકતેની અસરથી થશે. વરસાદ અને તેજ પવનથી તાપમાન ખુબ નીચુ જતુ રહેશે. મંગળ બુધ દરમિયાન માત્ર ૩૦ ડીગ્રી તાપમાન રહે તેવા અણસાર છે.

પ્રકૃતિની આ અસરથી દિલ્હીના પ્રદુષણને સારી એવી રાહત થવાના સારા સમાચાર પણ છે. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડે જણાવ્યા મુજબ સોમવારે દિલ્હીનો  વાયુ ગુણવતા સુચકાંક ૧૯૧ ઉપર રહ્યો હતો. હજુ બે ત્રણ દિવસ વાયુ ગુણવતા સુચકાંકમાં સુધારો જોવા મળે તેવી આશા રાખવામાં આવી રહી છે.

(12:01 pm IST)