Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

તુર્કી-બ્રિટન-ઇટાલી-ઓસ્‍ટ્રેલિયા-સાઉદી સહિતના દેશોએ નિયંત્રણો હટાવ્‍યા-હળવા કર્યા

થિયેટરો - પબ - રેસ્‍ટોરન્‍ટ - ગાર્ડન વગેરે ખુલવા લાગ્‍યા

લંડન તા. ૧૮ : બ્રિટન, સ્‍કોટલેન્‍ડ અને વેલ્‍સમાં લોકો હવે પબ્‍સ અને રેસ્‍ટોરન્‍ટ્‍સમાં ઇન્‍ડોર સાથે બેસીને જમી શકે છે અને એકબીજાને ભેટી પણ શકે છે, કારણ કે બ્રિટીશ સરકારે તેનો સફળ રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યા બાદ કોરોના વાઇરસ નિયંત્રણોને આ પહેલીવાર મોટા પાયે હળવા કર્યા છે. બ્રિટનમાં છેલ્લા અનેક મહિનાઓમાં આ પહેલી જ વાર બીયર બાર, રેસ્‍ટોરન્‍ટ્‍સમાં ગ્રાહકોને અંદર બેસાડીને જમાડવાની મંજૂરી આપવામાં આવી છે. એવી જ રીતે થિયેટરો, મ્‍યુઝિયમ અને કોન્‍સર્ટ હોલ્‍સ પણ ફરી ખોલવાની પરવાનગી અપાઇ છે, જોકે દર્શકોની ક્ષમતા વિશે થોડીક મર્યાદા છે.

ઇટાલીએ યુરોપીયન યુનિયનમાં પોતાના સભ્‍ય દેશો, બ્રિટન અને ઇઝરાયલના પર્યટકોને કોઇ પણ નિયંત્રણ વિના પ્રવેશવા દેવાની મંજુરી આપી છે. જોકે એ લોકોએ તેમની તાજેતરનો નેગેટીવ કોરોના વાઇરસ ટેસ્‍ટ રિપોર્ટ, રસી લીધાનો પુરાવો આપવો પડશે.

તુર્કીએ પણ દેશવ્‍યાપી લોકડાઉન નિયમો હળવા બનાવી દીધા છે. માત્ર વીકનાઇટ, વીકએન્‍ડ કર્ફયુ ચાલુ રાખ્‍યો છે. શોપિંગ મોલ્‍સને સપ્‍તાહાંતે ચાલુ રાખવા દેવાયા છે. ઓસ્‍ટ્રેલિયાના ન્‍યૂ સાઉથ વેલ્‍સ રાજ્‍યએ કોવિડ - નિયંત્રણોને કામચલાઉ ઉઠાવી લીધા છે. સાઉદી અરેબિયાએ એક વર્ષથી લાદેલો ટ્રાવેલ પ્રતિબંધ ઉઠાવી લીધો છે. જેમણે કોરોના રસી લીધી હશે અને જો છ મહિનાથી કોરોનાથી સાજા રહ્યા હોય એવા વિદેશી પર્યટકો માટે સાઉદી સરકારે તેની તમામ સરહદો ખોલી દીધી છે. વિદેશી ફલાઇટ્‍સને પેસેન્‍જરોથી પૂરી ભરેલી આવવા દેશે.

 

(12:49 pm IST)