Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

મુંબઈમાં નૌસેનાએ બાર્જ ઉપર ફસાયેલા ૧૪૬ લોકોને બચાવ્યાઃઅન્ય લોકોની શોધખોળ ચાલુ

બોમ્બે હાઈ ખાતે ફસાયેલા ૧૨૭ લોકોના રેસ્ક્યૂ ઓપરેશનમાં ખરાબ હવામાનના કારણે અડચણ ઊભી થઈ

 મુંબઈઃ તા.૧૮, ભારતીય નૌસેનાએ અરબ સાગરમાં આવેલા ચક્રવાતી વાવાઝોડા ટાઉતેના કારણે સમુદ્રમાં અનિયંત્રિત થઈને વહી ગયેલા એક બાર્જ પર સવાર ૧૪૬ લોકોને બચાવી લીધા છે અને બાકી લોકોની શોધખોળ હજુ ચાલુ છે. એક અધિકારીએ જણાવ્યું કે, નૌસેનાએ બચાવ કાર્ય માટે મંગળવારે પી-૮૧ને તૈનાત કર્યું હતું. રાહતની વાત એ છે કે હવામાન વિભાગએ વાવાઝોડું નબળું પડવાની જાણકારી આપી છે. રિપોર્ટ્સ મુજબ, આગામી ત્રણ કલાકમાં ભીષણ વાવાઝોડું નબળું પડવાની શક્યતા વ્યકત કરવામાં આવી છે.

 આ પહેલા સોમવારે નિર્માણ કંપની એફકાન્સના બોમ્બે હાઈ તેલ ક્ષેત્રમાં તૈનાત બે બાર્જ લંગરથી ખસકી થઈ અને તે દરિયામાં અનિયંત્રિત થઈને વહેવા લાગી હતી. જેની જાણકારી મળ્યા બાદ નૌસેનાએ ત્રણ ફ્રન્ટલાઇન યુદ્ધજહાજ તૈનાત કર્યા હતા. આ બે બાર્જ પર ૪૧૦ લોકો સવાર હતા. આ બે બાર્જની મદદ માટે આઇએનસ કોલકાતા, આઇએનએસ કોચ્ચિ અને આઇએનએસ તલવારને તૈનાત કરવામાં આવ્યા હતા.

  નૌસેનાના એક પ્રવકતાએ આજે સવારે કહ્યું કે, સમુદ્રમાં બાર્જ પી-૩૦૫થી ખૂબ જ પડકારરૂપ સ્થિતિમાં કુલ ૧૪૬ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, અન્ય લોકોને બચાવવા માટે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન આખી રાત ચાલુ હતું.

 ભારતીય સેનાના હવાલાથી જણાવ્યું કે, દિવમાં બચાવ અને રાહત કાર્ય માટે ૬ આર્મી રેસ્યૂ બ અને રિલીફ ટીમોને સક્રિય કરવામાં આવી છે. આ ઉપરાંત વાવાઝોડા બાદની સ્થિતિનો સામનો કરવા માટે સેનાની ૬ વધારાની ટીમોને જૂનાગઢ મોકલવામાં આવી છે. આ ઉપરાંત કેટલીક ટીમો બોટાદ, અમરેલી અને ભાવનગર માટે પણ તૈનાત કરવામાં આવી છે.

(3:10 pm IST)