Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. કે.કે.અગ્રવાલનું કોરોનાના કારણે નિધન

કોરોના સામે લાંબી લડત લડયા બાદ આખરે તેઓ જિંદગીનો જંગ હારી ગયા

નવી દિલ્હી તા. ૧૮ : પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના પૂર્વ અધ્યક્ષ ડો.કેકે અગ્રવાલનું કોરોના સંક્રમણના કારણે નિધન થયું છે. તેમણે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. કોરોના સામે લાંબી લડત લડ્યા બાદ આખરે તેઓ જિંદગીનો જંગ હારી ગયા. ડોકટર અગ્રવાલ ૬૨ વર્ષના હતા અને છેલ્લા કેટલાક દિવસથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા.

ડોકટર અગ્રવાલ છેલ્લા એક વર્ષથી કોવિડ મહામારી પર વીડિયો પોસ્ટ કરીને લોકોને જાગૃત કરતા હતા અને બીમારીના વિવિધ પહેલુઓ તથા તેના મેનેજમેન્ટ વિશે વાત કરતા હતા. તેમની ટ્વિટર પ્રોફાઈલ પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં કહેવાયું છે કે તેમણે સોમવારે રાતે ૧૧.૩૦ વાગે આ મહામારીના કારણે દમ તોડ્યો. તેમને એક અઠવાડિયા પહેલા વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.

ડો. કે કે અગ્રવાલ પોતાના વ્યવસાયના કારણે તો દેશભરમાં વિખ્યાત હતા જ પરંતુ તેઓ પોતાની નેકદિલીના કારણે પણ જાણીતા હતા. કોરોના કાળમાં તેમણે હજારો લોકોની મદદ કરી. ગરીબો અને નબળા વર્ગના દર્દીઓની મફતમાં સારવાર કરી. ડોકટર અગ્રવાલ  હાર્ટકેર ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ પણ હતા. તેમને ૨૦૦૫માં ડો. બીસી રોય પુરસ્કાર અને ૨૦૧૦માં પદ્મશ્રી મળ્યો હતો. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ દિલ્હીમાં અને નાગપુર યુનિવર્સિટીથી એમબીબીએસનો અભ્યાસ કર્યો હતો.

નાકમાં ઓકસીજન લગાવીને પણ લોકોની મદદ કરતા હતા : આવા હતા પદ્મશ્રી ડો. કેકે અગ્રવાલ

નવી દિલ્હી તા. ૧૮ : દેશના મોટા ડોકટર અને પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કેકે અગ્રવાલનું કોરોનાથી નિધન થયુ છે. કોરોના સંક્રમિત થયા બાદ તેમણે દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયા કેટલાક દિવસ સુધી કોરોના સામે જંગ લડ્યા બાદ ૧૭ મેએ મોડી રાત્રે તેમનું નિધન થયુ હતું. ડો. કેકે અગ્રવાલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ પણ રહી ચુકયા છે.

ડો. કેકે અગ્રવાલના વ્યકિતગત જીવનની વાત કરીએ તો તેમના પિતા મધ્ય પ્રદેશના હતા, તેમના પિતા દિલ્હીમાં નોકરી કરવા માટે આવ્યા હતા, તેમના નવ ભાઇ બહેનોને માતા-પિતાએ સારૂ શિક્ષણ આપ્યુ હતું, તેમનો પરિવાર હંમેશા એક આદર્શ પરિવારમાં ગણાતો હતો, તમામને જોડીને રાખવામાં ડો. અગ્રવાલના સ્વભાવમાં હતું.

ડો. કેકે અગ્રવાલે ૧૯૭૯માં નાગપુર યૂનિવર્સિટીમાંથી MBBSનો અભ્યાસ કર્યો હતો અને ૧૯૮૩માં ત્યાથી જ MD કર્યુ. વર્ષ ૨૦૧૭ સુધી નવી દિલ્હીમાં મૂળચંદ મેડિસિટીમાં સીનિયર કંસલ્ટન્ટ રહ્યા, તેમણે મેડિકલ સાયન્સેજ પર કેટલાક પુસ્તક લખ્યા છે, તેમણે આધુનિક એલોપેથી સાથે પ્રાચીન વૈદિક સારવાર, ઇકોકાર્ડિયોગ્રાફી પર ૬ ટેકસ્ટ બુક અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રેસમાં કેટલાક લેખ પણ પ્રકાશિત કર્યા છે.

તે ભારતમાં હાર્ટ એટેક માટે સ્ટ્રેપ્ટોકિનેસ થેરેપીનો ઉપયોગ કરનારા અગ્રદૂતોમાંથી એક હતા અને તેમણે ભારતમાં કલર ડોપલર ઇકોકાર્ડિયોગ્રાફીની ટેકનિકની પણ શરૂઆત કરી હતી. ડો. અગ્રવાલ ૨૦૦૫માં મેડિકલ કેટેગરીના સર્વોચ્ચ પુરસ્કાર ડો. બીસી રોય એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ખેલગામ દિલ્હી સ્થિત તેમની ઓફિસ બહાર દરરોજ હજારો જરૂરીયાતમંદ લોકોની લાઇનો લાગતી હતી.

૬૨ વર્ષીય ડો. અગ્રવાલ આશરે ૨ અઠવાડિયા પહેલા કોરોના સંક્રમિત થયા હતા. જે બાદ તેમણે વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. ડો. અગ્રવાલ એક કાર્ડિયોલોજિસ્ટ હતા અને હાર્ટ કેર ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના ચીફ હતા, તેમણે ૨૦૧૦માં પદ્મ શ્રી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

દિલ્હીથી પોતાનો અભ્યાસ કરનારા ડોકટર અગ્રવાલે નાગપુરથી એમબીબીએસ કર્યુ હતું. તે લોકો વચ્ચે પોતાના સરળ વ્યવહાર માટે જાણીતા હતા. કોરોના કાળમાં પણ તેમણે યુ-ટ્યુબ ચેનલ દ્વારા સતત લોકોની મદદ કરી હતી અને તેમના સવાલોના જવાબ આપતા રહ્યા હતા, તેમણે કોરોના વાયરસના દરેક લક્ષણ અને બચાવ વિશે વીડિયો બનાવીને લોકો સુધી પહોચાડ્યા હતા. આ સિવાય પણ અગ્રવાલ તમામ વિષયો પર લોકોના સવાલ લેતા હતા અને તેમણે યોગ્ય સારવારની સલાહ આપતા હતા.

(3:52 pm IST)