Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

હમ સાથ સાથ હૈ

દુઃખદ સંયોગઃ ધરતી ઉપર સાથે આવ્યા જોડીયા ભાઇઓઃ કોરોનાને કારણે બંને સાથે જ મર્યા

મેરઠ, તા.૧૮: કોરોના વાયરસ મહામારીની વચ્ચે અનેક લોકોના દ્યર ઉજડી ગયા છે. પરંતુ ઉત્તર પ્રદેશના મેરઠ ના રહેવાસી રાફેલ પરિવારની કહાણી ખૂબ જ દુખદ અને હચમચાવી દે તેવી છે. બે જોડીયા ભાઈઓ જોફ્રેડ વર્ગીસ ગ્રેગોરી અને રાલફ્રેડ જયોર્જ ગ્રેગોરી નો જીવ કોવિડ-૧૯ સંક્રમણે લીધો. વ્યવસાયે એન્જિનિયર ૨૪ વર્ષીય ભાઈઓના મોતની વચ્ચે અંતર માત્ર થોડાક કલાકોનો જ રહ્યો.

એક સાથે જન્મ લેનારા અને એક સાથે દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા. જોફ્રેડ અને રાલફ્રેડનું અવસાન ગત સપ્તાહે કોવિડ-૧૯ના કારણે થયું. બંનેના જન્મ ૨૩ એપ્રિલ ૧૯૯૭ના રોજ થયા હતા. રિપોર્ટ મુજબ, જન્મદિવસના બીજા જ દિવસ એટલે કે ૨૪ એપ્રિલે તેઓ આ દ્યાતક વાયરસની ઝપટમાં આવી ગયા. મળતી માહિતી મુજબ બંને હૈદરાબાદમાં નોકરી કરતા હતા.

બંને ભાઈઓના પિતા ગ્રેગોરી રેમન્ડ રાફેલ જણાવે છે કે તેમને એ લગભગ ખબર હતી કે જો તેમનો એક દીકરો પાછો આવશે તો બંને સાથે આવશે, નહીં તો કોઈ નહીં આવે. તેઓ કહે છે કે જે પણ એકને થતું હતું, બીજાને થતું હતું. તેઓએ કહ્યું કે, તેમના જન્મથી જ આવી ચાલી રહ્યું હતું. જોફ્રેડના મોતના સમાચાર મળ્યા બાદ મેં મારી પત્નીને જણાવ્યું કે રાલફ્રેડ પણ ઘરે એકલો નહીં આવે. તેઓ ૧૩ અને ૧૪ મેના રોજ થોડાક કલાકોના અંતરમાં જતા રહ્યા. રાફેલના ત્રણ દીકરા છે. સૌથી નાના દીકરાનું નામ નેલફ્રેડ છે.

પરિવારે ભાઈઓની પ્રારંભિક સારવાર ઘરે જ કરી. તેમને લાગ્યું કે તાવ ઉતરી જશે, પરંતુ એવું ન થયું. તેમના પિતાએ જણાવ્યું કે ઓકિસજન સ્તર ૯૦ પર પહોંચ્યા બાદ ડોકટરોએ બંનેને હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી હતી. બંને ભાઈઓના પહેલા રિપોર્ટમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ, પરંતુ થોડા દિવસ બાદ બીજા RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

ગ્રેગોરીએ જણાવ્યું કે, રાલફ્રેડે છેલ્લીવાર પોતાની માતાને ફોન કર્યો હતો. તે હોસ્પિટલમાંથી વાત કરી રહ્યો હતો. તેમણે જણાવ્યું કે, તેણે પોતાની માતાને કહ્યું કે તેની હાલત સુધરી રહી છે અને જોફ્રેડની તબિયત વિશે પૂછ્યું. ત્યાં સુધી જોફ્રેડનું નિધન થઈ ચૂકયું હતું. તેથી અમે એ વાત તેનાથી છુપાવવા માટે કહ્યું કે અમે તેને દિલ્હીની હોસ્પિટલમાં શિફ્ટ કર્યો છે, પરંતુ રાલફ્રેડ કદાચ જાણતો હતો. તેણે પોતાની માતાને કહ્યું કે તમે ખોટું બોલી રહ્યા છો.

(3:55 pm IST)