Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

લદ્દાખ સરહદે ફરીવાર પહોચ્યુ : ચીની સૈન્ય સૌથી ઉંડાઈવાળા વિસ્તારોમાં કરી રહ્યું છે યુધ્ધ અભ્યાસ

ગયા વર્ષે પણ તે યુધ્ધ અભ્યાસની આડમાં આ વિસ્તારોમાં આવ્યા હતા : ચીનની હિલચાલ પર ભારતની બાજ નજર

નવી દિલ્હી : ગયા વર્ષે ગલવાન ઘાટીમાં બનેલ સૈન્ય સંધર્ષ બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધો સારા નથી  ગયા વર્ષે ભારતના ઉત્તર ક્ષેત્રમાં ચીનના સૈન્ય જવાનો દ્વારા આક્રમકતા દર્શાવ્યા બાદ બંને દેશો વચ્ચેના સંબધો વધુ તંગ બન્યા હતા. ભારત અને ચીની સૈનિકો વચ્ચે ગલવાન ઘાટીમાં મોટો મુકાબલો થયો હતો, જેમાં ભારત અને ચીન એમ બન્ને પક્ષના સૈનિકોને ઈજા પહોંચી હતી.

ભારતના સૈન્ય જવાનો, ચીનના સૈન્ય જવાનોને મારતા મારતા શહીદ પણ થયા હતા. આ ઘટના આકાર પામ્યાના એક વર્ષ બાદ, ચીનના પીપલ્સ લિબરેશન આર્મી ( PLA) હવે ફરીથી પૂર્વ લદ્દાખ સેક્ટર નજીકના તેના સૌથી ઉંડાઈવાળા વિસ્તારોમાં યુધ્ધ અભ્યાસ કરી રહી છે.

COVID19 રોગચાળો હોવા છતાં ભારતીય સશસ્ત્ર દળ, સંપૂર્ણ સજાગ છે અને ચીની સેનાની આ તમામ પ્રવૃત્તિઓ પર ત્યાંથી નજર રાખવામાં આવી રહી છે.

સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, ‘ચીનનુ સૈન્ય છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારોમાં આવતુ રહ્યું છે. અને તેઓ ઉનાળા દરમિયાન યુદ્ધ અભ્યાસ કરે છે. ગયા વર્ષે પણ તે યુધ્ધ અભ્યાસની આડમાં આ વિસ્તારોમાં આવ્યા હતા. અને અહીંથી આક્રમક રીતે પૂર્વ લદાખ તરફ પહોંચ્યા હતા. ચીનના સૈનિકો તેમના પરંપરાગત વિસ્તારોમાં ખૂબ મોટી સંખ્યામાં રહે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત અને ચીન વચ્ચેનો પીછેહઠનો મુદ્દો યથાવત છે. ભારત અને ચીનની બંને બાજુ ગાલવાન ખીણ અને પેંગોંગ ત્સોની દક્ષિણ અને ઉત્તરી બાજુઓથી પીછેહઠ કરવામાં આવી છે, પરંતુ પૂર્વી લદ્દાખમાં ઓછામાં ઓછા ચાર સ્થળો ડેડલોક અને સ્થિતિ તંગ છે. આમાં ડેપ્સાંગ પ્લેઇન્સ, હોટ સ્પ્રિંગ્સ, ગોગરા અને ડેમચોક સામેલ છે.

ભારતીય લશ્કરે ઉનાળામાં પૂર્વ લદ્દાખ અને અન્ય ક્ષેત્રોમાં મહત્વના એવા વ્યૂહાત્મક સ્થળોએ મોટીમાત્રામાં સૈનિકો તહેનાત કર્યા છે. સરહદી મોરચા પર તહેનાત સુરક્ષા દળોના વરિષ્ઠ અધિકારીઓએ તાજેતરમાં વિવાદાસ્પદ વિસ્તારોની, સુરક્ષા સહીતની પરિસ્થિતિની સમીક્ષા પણ કરી છે. અને ચીનની તમામ ગતીવિધી ઉપર બારીકાઈથી નજર રાખી રહ્યા છે.

(12:42 am IST)