Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

પેટ્રોલમાં ૨-૩ રૂપિયા અને ડીઝલમાં ૩-૪ રૂપિયાનો વધારો આવશે

૪૦ દિવસ પછી ઝટકો ખમવા તૈયાર રહેજો ! પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધશે : છૂટક અને જથ્‍થાબંધ મોંઘવારીની અસર પડશે ઇંધણના ભાવ પર

નવી દિલ્‍હી,તા. ૧૮ : પેટ્રોલ અને ડીઝલના ભાવ ૧૦૦ રૂપિયાની સપાટી વટાવ્‍યાં બાદ શાંત પડ્‍યાં છે પરંતુ આ શાંતિ લાંબો વખત ટકવાની નથી તેવા અણસાર મળી રહ્યાં છે. સરકારી સૂત્રોનો દાવો છે કે છૂટક અને જથ્‍થાબંધ મોંઘવારીમાં વધારો થયો હોવાથી આગામી સમયમાં ગમે ત્‍યારે પેટ્રોલમાં ૨-૩ રૂપિયા અને ડીઝલમાં ૩-૪ રૂપિયાનો વધારો આવશે. આ વખતમાં વધારામાં પેટ્રોલ કરતા ડીઝલના ભાવમાં વધારે વધારો આવશે કારણ કે સરકારી પેટ્રોલિયમ કંપનીઓને પેટ્રોલ કરતા ડીઝલ પર વધારે ખોટ જઈ રહી છે તેથી તેઓ ડીઝલના વધારે મોંઘુ કરવા માગે છે.

સરકારી સૂત્રોએ  જણાવ્‍યું હતું કે આ વખતે પણ ડીઝલ અને પેટ્રોલના છૂટક ભાવમાં એક ઝાટકે વધારો નહીં થાય, પરંતુ પહેલાની જેમ ધીમે ધીમે વધારો કરવામાં આવશે. આ વખતે ફરક માત્ર એટલો જ છે કે પેટ્રોલ કરતા ડીઝલના ભાવ વધવાના છે. કારણ કે તેલ વેચતી સરકારી કંપનીઓ પેટ્રોલ કરતા ડીઝલ પર વધુ નુકસાન કરી રહી છે. તેમણે કહ્યું કે ડીઝલની કિંમતમાં ૩-૪ રૂપિયાનો વધારો થઈ શકે છે, જયારે પેટ્રોલ ૨-૩ રૂપિયા મોંઘું થઈ શકે છે.

સૂત્રોએ એવું પણ કહ્યું કે  સરકારી કંપનીઓને ડીઝલ પર ૨૫-૩૦ રૂપિયા પ્રતિ લીટર અને પેટ્રોલ પર ૯-૧૦ રૂપિયાનુ નુકશાન થઈ રહ્યુ છે તેથી બન્ને ઈંધણ પર ભાવવધારો આવી શકે છે.

પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીના કારણે નવેમ્‍બર બાદ ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો થઈ રહ્યો ન હતો. પાંચ રાજયોની ચૂંટણી પૂરી થયાના થોડા દિવસો બાદ જ ફરી બંને ઇંધણના ભાવમાં વધારો કરવામાં આવ્‍યો હતો. ૨૨ માર્ચથી ૬ એપ્રિલ સુધી ડીઝલ અને પેટ્રોલના ભાવમાં ૧૪ વખત વધારો કરવામાં આવ્‍યો હતો. જોકે ૬ એપ્રિલ બાદ ભાવમાં કોઈ વધારો કરાયો નથી.

ભારત પોતાનું ૮૦ ટકા ક્રૂડ ઓઈલ અન્‍ય દેશો પાસેથી ખરીદે છે. આમાંના મોટા ભાગના ક્રૂડ ઓઇલ પヘમિ એશિયાના દેશો અને અમેરિકાથી આવે છે. ભારત રશિયા પાસેથી માત્ર ૨ ટકા ક્રૂડ ઓઇલ ખરીદે છે. ભારત ક્રૂડ ઓઇલનો બીજો સૌથી મોટો આયાતકાર દેશ છે. પેટ્રોલિયમ પ્‍લાનિંગ એન્‍ડ એનાલિસિસ સેલના આંકડા મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતને ક્રૂડ ઓઇલ ખરીદવા માટે ૧૧૯.૨ અબજ ડોલર ખર્ચ કરવા પડ્‍યા હતા. આ પહેલા વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતનું ક્રૂડ ઓઈલ ઈમ્‍પોર્ટ બિલ ૬૨.૨ અબજ ડોલર હતું.

(10:02 am IST)