Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

રિઝર્વ બેંકે નવી બેંકો માટેની છ અરજીઓ ફગાવી દીધી

ભારતના બેંકિંગ સેક્ટરનો વ્યાપ વધી રહ્યો છે : આ પ્રસ્તાવોમાં નવી નાની ફાયનાન્સ બેંકોની સ્થાપનાને લગતી અરજીઓ પણ શામેલ છે

નવી દિલ્હી, તા.૧૮ : ડિજિટલ ભારતની સાથે ભારતના બેંકિંગ સેક્ટરનો વ્યાપ પણ દિવસે-દિવસે વધી રહ્યો છે. જોકે દેશની બેંકિંગ રેગ્યુલેટર સંસ્થાએ નવા બેંકિંગ લાયસન્સ માટે કરેલ અરજીઓ ફગાવી છે. 

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ નવી બેંકોની રચના માટે કરવામાં આવેલ છ અરજીઓ ફગાવી દીધી છે. આ પ્રસ્તાવોમાં નવી નાની ફાયનાન્સ બેંકોની સ્થાપનાને લગતી અરજીઓ પણ શામેલ છે. આ યાદી ફ્લિપકાર્ટના સહ-સ્થાપક સચિન બંસલની આગેવાની હેઠળની ચૈતન્ય ઇન્ડિયા ફિન ક્રેડિટ પ્રાઇવેટ લિમિટેડનો પણ સમાવેશ થાય છે. રિઝર્વ બેંકે કહ્યું કે આ અરજીઓ યોગ્ય નથી તેથી તેમને નકારી કાઢવામાં આવી છે.

સેન્ટ્રલ બેંકે કહ્યું કે, *આ અરજીઓ અંગ ગહન તપાસ કર્યા બાદ અંતે નિયમો અનુસાર બેંકોની સ્થાપના માટેની સૈદ્ધાંતિક જરૃરિયાતોને યોગ્ય નથી."

નકારમાં આવેલ અરજી યુએઈ એક્સચેન્જ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસ લિમિટેડ, રિપેટ્રિએટ્સ કોઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ, ચૈતન્ય ઇન્ડિયા ફિન ક્રેડિટ પ્રાઇવેટ લિમિટેડ અને પંકજ વૈશ્ય અને એક અન્ય પક્ષકારની છે. બીજી તરફ સ્મોલ ફાઇનાન્સ બેંકની કેટેગરી માટે કરવામાં આવેલ વીસોફ્ટ ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડ અને કાલિકટ સિટી સર્વિસ કોઓપરેટિવ બેંક લિમિટેડની અરજીઓ અયોગ્ય જણાઈ છે.

કુલ ૧૧ અરજીઓ મળી હતી : રસપ્રદ વાત એ છે કે આરબીઆઈને બેંક અને સ્મોલ ફાઇનાન્સ બેંકની રચના માટે કુલ ૧૧ અરજીઓ મળી હતી અને સેન્ટ્રલ બેંકે ૬ અરજીઓ નામંજૂર કરી છે એટલેકે હજી પણ પાંચ અરજીઓ હજુ પણ લાઇસન્સ પ્રક્રિયાનો એક ભાગ છે.જોકે બાકીની તમામ અરજીઓ સ્મોલ ફાઇનાન્સ બેંકોની સ્થાપનાને લગતી છે. આ અરજીઓ વેસ્ટ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ, અખિલ કુમાર ગુપ્તા, રિજનલ રૃરલ ફાઇનાન્સ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ, કોસ્મી ફાઇનાન્સિયલ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ અને ટેલિ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી છે.

 

(8:02 pm IST)