Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

સેન્સેક્સમાં ૧૧૦, નિફ્ટીમાં ૧૯ પોઈન્ટનો ઘટાડો નોંધાયો

શેરબજારે શરૃઆતી લાભ ગુમાવતા બજાર ફરી તૂટ્યું : પાવરગ્રીડ, ટેક મહિન્દ્રા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ભારતી એરટેલ, લાર્સન એન્ડ ટુબ્રો, બજાજ ફિનસર્વ, વિપ્રો, એનટીપીસી અને એચસીએલ ટેક્નોલોજીસના શેરમાં ઘટાડો

મુંબઈ, તા.૧૮ : વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ વચ્ચે બુધવારે શેરબજારોએ શરૃઆતી લાભ ગુમાવ્યો હતો અને અસ્થિર વેપારમાં સેન્સેક્સ ૧૦૯.૯૪ પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૦૯.૯૪ પોઈન્ટ્સ અથવા ૦.૨૦ ટકા ઘટીને ૫૪,૨૦૮.૫૩ પોઈન્ટ્સ પર બંધ થયા છે. દિવસના ટ્રેડિંગ દરમિયાન, તે એકવાર ૫૪,૭૮૬ પોઈન્ટની ઊંચી સપાટીએ ગયો હતો અને ૫૪,૧૩૦.૮૯ પોઈન્ટની નીચી સપાટીએ પણ આવ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ૧૯ પોઈન્ટ એટલે કે ૦.૧૨ ટકાના ઘટાડા સાથે ૧૬,૨૪૦.૩૦ પર બંધ થયો હતો. સેન્સેક્સ કંપનીઓ પાવરગ્રીડ, ટેક મહિન્દ્રા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ભારતી એરટેલ, લાર્સન એન્ડ ટુબ્રો, બજાજ ફિનસર્વ, વિપ્રો, એનટીપીસી અને એચસીએલ ટેક્નોલોજીસના શેરમાં ઘટાડો થયો હતો. બીજી તરફ, અલ્ટ્રાટેક સિમેન્ટ, હિન્દુસ્તાન યુનિલિવર, એશિયન પેઈન્ટ્સ, સન ફાર્મા, આઈટીસી અને એક્સિસ બેક્ન વધનારાઓમાં હતા.

અન્ય એશિયન બજારોમાં, હોંગકોંગનો હેંગસેંગ, દક્ષિણ કોરિયાનો કોસ્પી અને જાપાનનો નિક્કી ઊંચો બંધ રહ્યો હતો, જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઘટ્યો હતો. યુરોપિયન શેરબજારો બપોરના સત્ર દરમિયાન મિશ્ર વલણ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને યુએસ બજારો મંગળવારે લાભ સાથે બંધ થયા હતા.જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, ઘટાડામાં યુરોપિયન બજારો ખૂલ્યા તે પહેલાં ફાર્મા અને એફએમસીજી કંપનીઓમાં વધારો થતાં સ્થાનિક બજારમાં વધારો જોવા મળ્યો હતો. જોકે, યુકેમાં વધતા જતા ફુગાવા અને તેને ઘટાડવા અંગે સેન્ટ્રલ બેંકના ચેરમેનના નિવેદનની અસર રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પડી હતી.

દરમિયાન, આંતરરાષ્ટ્રીય ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૧૩ ટકા વધીને ૧૧૩.૨ અમેરિકી ડોલર પ્રતિ બેરલ થયું હતું. શેરબજારમાંથી મળેલી માહિતી મુજબ સ્થાનિક બજારોમાંથી વિદેશી રોકાણકારોને પાછા ખેંચવાની પ્રક્રિયા ચાલુ છે. તેમણે મંગળવારે રૃ. ૨,૧૯૨.૪૪ કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

 

(8:06 pm IST)