Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

મુંબઈ-મહારાષ્ટ્રમાં ૨-૩ સપ્તાહમાં કોરોના ફરી માથું ઊંચકે એવી વકી

મહારાષ્ટ્રની કોવિડ ટાસ્ક ફોર્સે ચેતવણી આપી : મહારાષ્ટ્ર રાજ્યમાં લોકડાઉન ખૂલ્યા બાદ ભીડભાડ જોવા મળી રહી છે, ત્રીજી લહેરમાં બીજી લહેર કરતાં કોરોના કેસોની સંખ્યા ડબલ રહેવાની શક્યતા

મુંબઈ, તા. ૧૭ : કોરોનાની બીજી લહેરમાંથી આખોય દેશ માંડ બેઠો થઈ રહ્યો છે, ત્યારે તેનાથી સૌથી વધુ પ્રભાવિત એવા મહારાષ્ટ્રની કોવિડ ટાસ્ટ ફોર્સે ચિંતા ઉપજાવે તેવી ચેતવણી આપી છે. રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સનું માનવું છે કે, જે રીતે રાજ્યમાં લોકડાઉન ખૂલ્યા બાદ ભીડભાડ જોવા મળી રહી છે, તેને જોતાં આગામી બેથી ત્રણ સપ્તાહમાં મહારાષ્ટ્ર અને મુંબઈમાં કોરોના ફરી માથું ઉંચકી શકે છે.

ટાસ્ક ફોર્સે એમ પણ જણાવ્યું છે કે, સંભવિત ત્રીજી લહેરમાં જેટલી અસર અત્યારસુધી વાયરસના ચેપથી બચીને રહેલા નીચલા મધ્યમવર્ગને જેટલી થશે તેટલી કદાચ બાળકોને નહીં થાય. રાજ્યમાં ત્રીજી લહેરના ખતરાને પહોંચી વળવા માટે સરકાર દ્વારા કરાઈ રહેલી તૈયારીના ભાગરુપે ટાસ્કફોર્સ સાથે સીએમની નિયમિત મિટિંગ થાય છે. બુધવારે થયેલી આ મિટિંગમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.

મિટિંગમાં જે ડેટા રજૂ કરવામાં આવ્યો હતો તે અનુસાર, ત્રીજી લહેરમાં બીજા વેવ કરતાં કેસોની સંખ્યા ડબલ રહેવાની શક્યતા છે. આ ગાળામાં એક્ટિવ કેસનો આંકડો પણ વધીને ૮ લાખ સુધી પહોંચી શકે તેવો અંદાજ વ્યક્ત કરાયો હતો. (મહારાષ્ટ્રમાં બુધવાર સાંજ સુધીના આંકડા અનુસાર, ૧.૪ લાખ એક્ટિવ કેસ હતા.) મિટિંગમાં એક્સપર્ટ્સ દ્વારા એવું પણ જણાવાયું હતું કે સેકન્ડ વેવમાં રાજ્યમાં ૧૯ લાખ કેસ નોંધાયા હતા, જે ત્રીજી વેવમાં ૪૦ લાખની આસપાસ રહી શકે છે. જેમાંથી બાળ દર્દીઓનું પ્રમાણ ૧૦ ટકાની આસપાસ રહેવાની શક્યતા છે.

ટાસ્ક ફોર્સના મેમ્બર ડૉ. શશાંક જોષીના જણાવ્યા અનુસાર, યુકેમાં સેકન્ડ વેવ પૂરો થવાના ચાર સપ્તાહમાં જ ત્રીજો વેવ શરુ થવાની આશંકા છે. મહારાષ્ટ્રમાં પણ જો તકેદારી ના રખાઈ અને ભીડ ભેગી થતા ના અટકાવાઈ તો યુકે જેવી જ સ્થિતિ સર્જાઈ શકે છે.  એક્સપર્ટ્સના એક વર્ગનું એમ પણ માનવું છે કે એક લહેર ઓસર્યા બાદ બીજી વેવ શરુ થવામાં ૧૦૦ દિવસ જેટલો સમય લાગી શકે છે. તેમનું એવું પણ માનવું છે કે આગામી વેવમાં બાળ દર્દીઓની સંખ્યા ૩.૫ ટકાથી વધુ નહીં હોય.

મહારાષ્ટ્રમાં છેલ્લા બે સપ્તાહમાં વીકલી પોઝિટિવિટી રેટ અને ઓક્સિજન બેડની ઓક્યુપન્સી જેવા માપદંડોને ધ્યાનમાં રાખી પાંચ તબક્કામાં અનલોક લાગુ કરાયું છે. હાલની સ્થિતિમાં એક સમયે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત નાગપુર અને પુણે સહિતના કુલ ૧૫ જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણમાં છૂટછાટ આપવામાં આવી છે.

મિટિંગમાં હાજર રહેલા એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, અનિયંત્રિત ભીડ અને માસ્ક તેમજ કામ વિના ઘરની બહાર ફરવા નીકળી પડવાનું વલણ ચિંતા ઉપજાવે તેવી છે. મુંબઈમાં પણ હાલ કેટલાક નિયંત્રણો લાગુ છે, પરંતુ લોકોના ગમે ત્યાં આવવા-જવા પર કોઈ પાબંધી નથી. વળી, ટેસ્ટિંગની સંખ્યા પણ ઘટતા ઘણા કેસ ડિટેક્ટ જ ના થાય તેવી સંભાવના પણ નકારી શકાય તેમ નથી.

મહારાષ્ટ્રની કોવિડ ટાસ્ક ફોર્સનું માનવું છે કે પહેલા બે વેવમાં જેમને કોરોનાનો ચેપ નથી લાગ્યો તેમને ત્રીજા વેવમાં ઈન્ફેક્શનનું સૌથી વધુ જોખમ છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, ત્રીજા વેવમાં મિડલ કે અપર મિડલ ક્લાસને બદલે અત્યારસુધી વાયરસથી બચીને રહેલા અને હાઈ એન્ટિબોડી ધરાવતા લૉઅર મિડલ ક્લાસને સૌથી વધુ ખતરો છે. ત્રીજા વેવને પહોંચી વળવા માટે ટેસ્ટિંગ વધારવાથી લઈને વેક્સિનેશન તેમજ દર્દીઓને સારવાર આપવા યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

(12:00 am IST)