Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

રાહુલ ગાંધી, અસદુદ્દીનઓવૈશી અને સ્વરા ભાસ્કર સામે ફરિયાદ

દાઢી કાપવાના કેસને કોમવાદી રંગ આપવાનો આક્ષેપ : ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યુ હતુ, મામલાને કોમવાદી રંગ આપવાનો પ્રયાસ કર્યો હોવાનો ફરિયાદીનો આક્ષેપ

નવી દિલ્હી, તા. ૧૭ : ગાઝિયાબાદમાં એક વૃધ્ધને મારા મારીને તેની દાઢી કાપી નાંખવાના ચકચારી મામલામાં દિલ્હી પોલીસ સમક્ષ અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ટ્વિટર ઈન્ડિયાના એમડી મનીષ મહેશ્વરી તથા બીજા કેટલાક લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે.

૭૨ વર્ષના વૃધ્ધ સાથે મારપીટ કરવાના અને દાઢી કાપવાના મામલામાં સ્થાનિક ધારાસભ્ય નંદ કિશોર ગુજર્રે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી તેમજ અભિનેત્રી સ્વરા ભાસ્કર સામે રાષ્ટ્રિય સુરક્ષા ધારા લગાવવાની પણ માંગણી કરી છે.આ માટે તેમણે પોલીસમાં ફરિયાદ આપી છે.

ધારાસભ્યનુ કહેવુ છે કે, પાંચ જૂને ગાઝીયાબાદ નજીક લોનીમાં ૭૨ વર્ષના વૃધ્ધની દાઢી કાપવામાં આવી હતી.તેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરાયો હતો.પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો.એ પછી  રાહુલ ગાંધી, એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી તેમજ અભિનેત્રી સ્વરા ભાસ્કરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યુ હતુ અને સમગ્ર મામલાને કોમવાદી રંગ આપવાનો પ્રયાસ કર્યો હતો.સમગ્ર વિસ્તારમાં માહોલ બગાડવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. દરમિયાન પોલીસે કહ્યુ હતુ કે, સોશિયલ મીડિયા પર ખોટી જાણકારી કે અફવા ફેલાવનારાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.પોલીસનુ એમ પણ કહેવુ છે કે, અબ્દુલ સમદ નામના આ વૃધ્ધ તાવીજ બનાવવાનુ કામ કરે છે.આરોપીઓને તેમણે તાવીજ આપ્યુ હતુ પણ તેની કોઈ અસર નહીં થતા વૃધ્ધ સાથે આરોપીઓએ મારપીટ કરી હતી.આ મામલામાં હિન્દુ અને મુસ્લિમ એમ બંને આરોપીઓ છે.આ પૈકીના પાંચની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓએ જે વિડિયો બનાવ્યો હતો તેને ભ્રામક જાણકારી સાથે વાયરલ કરવામાં આવ્યો હતો.

(12:00 am IST)