Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ચીન અરૂણાચલ મોરચે ઝડપથી એરબેઝ, હેલિપેડ બનાવી રહ્યું છે

કોરોનાથી માંડ થાળે પડતી સ્થિતિમાં સરહદ ફરી તંગ : રેલવે લાઈનની પણ તૈયારી : ચીન દ્વારા ચૂપચાપ પોતાની વાયુસેનાની હિલચાલને વધારે ઝડપી બનાવાઈ રહી છે

નવી દિલ્હી, તા. ૧૭ : કોરોનાની બીજી લહેરમાંથી હજી તો ભારત માંડ બેઠુ થઈ રહ્યુ છે ત્યારે સરહદ પર ચીને ફરી એક વખત ભારત માટે ટેન્શન વધારવા માંડ્યુ છે.

ગયા વર્ષથી ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદે તનાવ ચાલી રહ્યો છે ત્યારે હવે અમેરિકાની એક ડિફેન્સ સાઈટે કરેલા ખુલાસા પ્રમાણે ચીન દ્વારા ચૂપચાપ પોતાની વાયુસેનાની હિલચાલને વધારે ઝડપી બનાવવામાં આવી રહી છે.ચીને ભારતીય સીમા પાસે પોતાના એરબેઝ પર પરમાણુ બોમ્બરથી માંડીને ઘાતક મિસાઈલ્સ તૈનાત કરવા માંડ્યા છે.

આ સાઈટે ઓપન સોર્સ ઈન્ટેલિજન્સના નિષ્ણાતોના હવાલાથી કહ્યુ છે કે, ચીન ભારત સરહદથી નજીકના પોતાના એરબેઝને ઝડપથી અત્યાધુનિક બનાવવા માંડ્યા છે.ચીને છેલ્લા એક વર્ષમાં ભારતીય સીમા પર પોતાની એરફોર્સની ગતિવિધિઓને અસાધારણ કહેવાય તે હદે ઝડપી બનાવી છે.સેટેલાઈટ તસવીરોથી ખબર પડી રહી છે કે, ચીન અરુણાચલ પ્રદેશ સીમા પાસે નવુ એરબેઝ, હેલિપેડ તૈયાર કરી રહ્યુ છે.રેલવે લાઈન નાંખી રહ્યુ છે.ચીન દ્વારા થઈ રહેલી તૈયારી રક્ષાત્મક તો નથી જ અને તેનો વ્યૂહાત્મક પ્રભાવ ખતરનાક હોઈ શકે છે.

નિષ્ણાતોનુ કહેવુ છે કે, ચીને તિબેટ અને શિનજિયાંગ પ્રાંતમાં પણ પોતાની સૈન્ય શક્તિમાં વધારો કર્યો છે.ખાસ કરીને એર પાવર વધારવા માટે ફોકસ કરવામાં આવી રહ્યુ છે.

૨૦૧૭માં ડોકલામ મોરચે ભારત સાથે ઘર્ષણ થયા બાદ ચીનની હિલચાલમાં વધારો થયો છે.તેણે ગયા વર્ષે નવા મિલિટરી બેઝ તૈયાર કર્યા છે અને જે હાલના બેઝ છે તેને અત્યાધુનિક બનાવવા માટે ભારે ઝડપ દાખવી છે.ચીન પોતાનુ એરફોર્સ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યુ છે.ચીને એવા પણ બાંધકામ કર્યા છે જેને હવાઈ હુમલામાં નષ્ટ કરવાનુ ભારતીય વાયુસેના માટે આસાન નહીં હોય.

જાણકારોના મતે ચીને પોતાની પશ્ચિમી સીમા પર કેટલી તાકાત વધારી છે તેનો અંદાજ લગાવવા મુશ્કેલ છે.ચીનની પશ્ચિમ સીમા પર તિબેટ અને શિનજિયાંગ પ્રાંત આવેલા છે.અહીંયા ચીન પોતાનુ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યુ છે.

(12:00 am IST)