Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

કોંગ્રેસમાં ફરી ધમાસાણ : હવે જયરામ રમેશે હાઇકમાન્ડ સામે નિશાન સાધ્યું :કહ્યું - અમારું નેતૃત્વ ઠીક કરવું પડશે

અમારે ઘરમાં સુધારા કરવા પડશે. સંવાદ બરાબર હોવો જોઈએ, નેતા પાસે જાદુઈ લાકડી હોતી નથી. આ બધું જ એક ટીમનો પ્રયાસ છે.

નવી દિલ્હી : કોંગ્રેસમાં ફરી ધમાસાણ સર્જાયું છે,થોડા દિવસ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કોંગ્રેસના નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યાં હતા. હવે કોંગ્રેસના બળવાખોર ગણાતા G22 નેતાઓમાંથી એક જયરામ રમેશ એ પણ કોંગ્રેસના નેતૃત્વ પર સવાલો ઉઠાવતા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી  અને રાહુલ ગાંધી  પર નિશાન સાધ્યું છે.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું, 'અમે 2014 અને 2019 લોકસભાની ચૂંટણીઓમાં ખરાબ રીતે હાર્યા. અમારે અમારા ઘરમાં સુધારા કરવા પડશે. અમારે અમારું નેતૃત્વ ઠીક કરવું પડશે. સંવાદ બરાબર હોવો જોઈએ નેતા પાસે જાદુઈ લાકડી હોતી નથી. આ બધું જ એક ટીમનો પ્રયાસ છે.'

અહી ટીમ એટલે જયરામ રમેશનો નિર્દેશ G22 નેતાઓ તરફ છે. ગયા વર્ષે કોંગ્રેસના 23 નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખી વહેલી તકે સંગઠન ચૂંટણી કરવાની માંગ કરી હતી, જેને રાજકીય વર્તુળોમાં G23 નામ આપવામાં આવ્યું હતું. તાજેતરમાં જિતિન પ્રસાદ ભાજપમાં જોડાયા બાદ આ જૂથમાં 22 નેતાઓ રહ્યાં છે.

કોંગ્રેસ નેતાએ એમ પણ કહ્યું હતું કે આગામી ચૂંટણી પૂર્વે કોંગ્રેસ પાર્ટીએ સમાન વિચારધારાવાળી પાર્ટીઓને સાથે લેવી પડશે. અગાઉ કપિલ સિબ્બલ, ગુલામ નબી આઝાદ જેવા વરિષ્ઠ નેતાઓ પણ વહેલી તકે સંગઠનની ચૂંટણીઓ અને પૂર્ણ સમય માટેના પ્રમુખની માંગ કરી ચૂક્યા છે. પક્ષે તાજેતરમાં કોરોના મહામારીને કારણે સંગઠનની ચૂંટણીઓ મુલતવી રાખી છે.

(12:00 am IST)