Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

પુત્રની લાશ જોઇને માતા બોલી, બેઠો થઇ જા, બેઠો થઇ જા અને માસૂમ જીવતો થયો

હરિયાણાના બહાદુરગઢમાં એક માતાનો કરૂણ પોકાર સાંભળીને મરેલો પુત્ર સજીવન થવાની ચમત્કારી ઘટના બનતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું

નવી દિલ્હી તા. ૧૮ : દુનિયામાં આજે પણ ચમત્કાર સર્જાય છે તેમાં બેમત નથી. સાચા હૃદયની પ્રાર્થના તો ઈશ્વરે પણ સાંભળવી પડે છે. એક માતાના સાચા હૃદયની પ્રાર્થના અને કરૂણ પોકારને કારણે મરેલો પુત્ર જીવીત થયાની એક ચમત્કારી ઘટના  બની છે.

હરિયાણાના બહાદુરગઢમાં આજથી ૨૦ દિવસ પહેલા એક છ વર્ષીય પુત્રને ડોકટરોએ મૃત જાહેર કરી દીધો. પરિવાર અંતિમ સંસ્કારની તૈયારી પણ કરી લીધી હતી.  પરંતુ મા તો તેના પુત્રને જીવતો જોવા માંગતી હતી. માતા પુત્રની નનામી પાસે બેસી રહી. નનામીમાં બાંધેલી પુત્રીની લાશ સામે જોઈને મા બોલવા લાગી કે બેઠો થઈ જા મારા દિકરા, બેઠો થઈ જા.

ભગવાને પણ જાણે માતાનો કરૂણ પોકાર સાંભળી લીધો હોય તેમ થોડી વારમાં તો પુત્રના શરીરમાં પ્રાણનો સંચાર થયો અને તેના શરીરમાં હલનચલન થવા લાગી. આ જોઈને લોકો ચોંકયા અને તાત્કાલિક ધોરણે પુત્રને રોહતકની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જયાં તેનો સંપૂર્ણ સાજો થઈ ગયો અને હસતા હસતા ઘેર પાછો પણ આવી ગયો.

બહાદુરગઢના રહેવાશી હિતેશ અને પત્ની જાહન્વીએ જણાવ્યું કે તેમના એકના એક પુત્રને ટાઈફોડ થયો હતો. સારવાર માટે તેને દિલ્હી લઈ જવાયો. ૨૬ મે ના દિવસ ડોકટરોએ તેને મૃત જાહેર કરી દીધો. ત્યાર બાદ અમે લાશ લઈને ઘેર આવ્યાં.

જાહન્વી રડતા રડતાં પુત્રની લાશને હલાવીને તેને બેઠો થવાનો પોકાર કરી રહી હતી. થોડા સમય બાદ પુત્રના શરીરમાં પ્રાણનો સંચાર થયો. ત્યાર બાદ પિતા હિતેશે પુત્રને નનામીમાંથી બહાર કાઢ્યો અને તેને મોંઢેથી શ્વાસ આપવા લાગ્યા. કોઈકે બાળકની છાતી પર પણ દબાણ આપવાનું શરૂ કર્યું. ત્યાર બાદ બાળકે પિતાના હોઠ પર દાંતી બટકું ભરી લીધું. પુત્રને તાત્કાલિક રોહતકની હોસ્પિટલમાં દાખલ કરાયો જયાં સઘન સારવાર બાદ તે સંપૂર્ણ સાજો થઈ ગયો હતો અને ઘેર પાછો ફર્યો હતો. જીવતો થઈને પાછો આવતા પુત્રનું ગામલોકોએ ભવ્ય સ્વાગત પણ કર્યું હતું.

(10:10 am IST)