Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

મુંબઇમાં બાળકો બન્યા 'બ્લેક ફંગસ'નો શિકાર : ૪, ૬ અને ૧૪ વર્ષના બાળકની આંખ કાઢવી પડી

ડાયાબિટીસના દર્દીઓ કે પછી વયસ્કો તો તેનાથી સંક્રમિત થવાની વાત તમે સાંભળી હશે પરંતુ હવે આ બીમારી બાળકોને પોતાની શિકાર બનાવી રહી છે

મુંબઈ તા. ૧૮ : કોરોનાથી સાજા થયા બાદ ઘણા લોકો બ્લેક ફંગસનો શિકાર બની રહ્યાં છે. ડાયાબિટીસના દર્દીઓ કે પછી વયસ્કો તો તેનાથી સંક્રમિત થવાની વાત તમે સાંભળી હશે પરંતુ હવે આ બીમારી બાળકોને પોતાની શિકાર બનાવી રહી છે. મુંબઈમાં બ્લેક ફંગસ એટલે કે મ્યુકોર માઇકોસિસથી સંક્રમિત ત્રણ બાળકોની આંખો કાઢવી પડી છે.

આ ત્રણ બાળકોની ઉંમર ૪, ૬ અને ૧૪ વર્ષ હતી. આ બધા કોરોનાથી સંક્રમિત હતા. તેમાંથી સૌથી મોટી બાળકી ડાયાબિટીસથી પીડિત હતી. બાળકોના ઓપરેશન શહેરની બે અલગ-અલગ હોસ્પિટલ ફોર્ટિસ હોસ્પિટલ અને કેબીએચ બચાઓલી ઓમ્પેલમિક અને ઈએનટી હોસ્પિટલમાં કરવામાં આવ્યા છે.

આ સિવાય ૧૬ વર્ષની એક બાળકી કોવિડ-૧૯થી સાજી થયા બાદ ડાયાબિટીસની શિકાર થઈ ગઈ અને બાદમાં તે બ્લેક ફંગસથી સંક્રમિત થઈ. ડોકટરોનું કહેવું છે કે કોરોના સંક્રમણ પહેલા તે ડાયાબિટીસથી પીડિત નહતી. પરંતુ કોરોનાથી સાજા થયા બાદ તે બ્લડ સુગરનો શિકાર બની. તેના પેટમાં બ્લેક ફંગસનું ઇન્ફેકશન થઈ ગયું હતું.

ફોર્ટિસ હોસ્પિટલના વરિષ્ઠ સલાહકાર, બાળ રોગ નિષ્ણાંત ડો. જેસલ શેઠે એક ન્યૂઝ ચેનલને કહ્યુ- કોરોનાની બીજી લહેરમાં બે યુવતીઓમાં બ્લેક ફંગસનું સંક્રમણ જોવા મળ્યું. બન્ને ડાયબિટિક હતી. તેમાંથી ૧૪ વર્ષની બાળકીને હોસ્પિટલમાં દાખલ કરાવવાના ૪૮ કલાકની અંદર તેની એક આંખ કાળી પડી ગઈ. ફંગસ નાકમાં પણ ફેલાઈ રહી હતી, પરંતુ મસ્તિષ્ક સુધી ન પહોંચી. તેના છ સપ્તાહ સુધી તેની સારવાર કરી પરંતુ દુર્ભાગ્યથી તેની એક આંખ કાઢવી પડી.

કોરોના સંક્રમિત ૪ અને ૬ વર્ષના બાળકોને મુંબઈની કેબીએચ બચાઓલી ઓપ્થાલ્મિક અને ઈએનટી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે બ્લેક ફંગસ હાલમાં ખુબ ચર્ચાનો વિષય છે. કોરોના પીડિત ડાયાબિટીસના દર્દીઓને તે જલદી સંક્રમિત કરી શકે છે. કોવિડ બાદ આ ફંગસનો ખતરો વધે છે.

(10:11 am IST)