Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

પેટ્રોલમાં ઈથેનોલનો ઉપયોગ કરવાથી પ્રતિ લીટર ૨૦ રૂપિયા બચશે

બ્રાઝિલ, કેનેડા અને યુ.એસ. ૧૦૦% ઇથેનોલનો ઉપયોગ કરે છે, ભારત તેના ઇથેનોલ ઉત્પાદનમાં વધારો કરી રહ્યું છે

નવી દિલ્હી,તા.૧૮: પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સામાન્ય માણસને ભારે પડી રહી છે. તે જ સમયે તેની વધતી આયાતનો ભાર સરકારે પણ મુશ્કેલીમાં મૂકે છે. આવી સ્થિતિમાં વાહનોમાં ઇથેનોલ અથવા અન્ય વૈકલ્પિક બળતણના ઉપયોગને પ્રોત્સાહન આપવાની વાત કરતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે ઈથેનોલના ઉપયોગથી દરેક લિટર બળતણ પર ૨૦ રૂપિયા સુધી બચત થશે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી બુધવારે બ્રિકસ નેટવર્ક યુનિવર્સિટીની વર્ચુઅલ કોન્ફરન્સમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે બ્રાઝિલ, કેનેડા અને અમેરિકામાં ઓટોમોબાઈલ કંપનીઓ ફ્લેકિસબલ-ફ્યૂલ એન્જિન બનાવે છે. તે ગ્રાહકોને ઇંધણ તરીકે ૧૦૦%  પેટ્રોલ અથવા ૧૦૦% બાયો-ઇથેનોલનો ઉપયોગ કરવાનો વિકલ્પ આપે છે.

ઈંધણ તરીકે ઇથેનોલનો ઉપયોગ કેવી રીતે અસરકારક થઈ શકે છે તે વિશે જણાવતાં ગડકરીએ કહ્યું કે દેશમાં પેટ્રોલના વધતા ભાવને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન ભારત પણ તેના ઇથેનોલ ઉત્પાદનમાં વધારો કરી રહ્યું છે. તાજેતરમાં સરકારે પેટ્રોલમાં ૨૦%  ઇથેનોલ મિકસ કરવાની સમયમર્યાદા ૨૦૩૦ થી ૨૦૨૫ કરી દીધી હતી. દેશમાં હાલ પ્રતિ લિટર પેટ્રોલમાં ૮.૫%  ઇથેનોલ મિકસ કરવામાં આવે છે.

નોંધનીય છે કે મુંબઇ અને હૈદરાબાદ જેવા મેટ્રો શહેરોની સાથે દેશના દ્યણા વિસ્તારોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાથી વધુ લિટર મોંઘુ થઈ ગયું છે. તેનું કારણ છેલ્લા છ અઠવાડિયામાં બળતણની કિંમતોમાં વધારો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને લદ્દાખ જેવા રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર ૧૦૦ રૂપિયાથી વધુ છે.

નીતિન ગડકરીએ કહ્યું કે દેશમાં પણ ઇથેનોલના ઉત્પાદનમાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કારણ કે તેનાથી બળતણની આયાત કરવામાં આવતા ખર્ચમાં ઘટાડો થાય છે. આયાતની અવેજી માટેની નીતિની જરૂરિયાત વિશે વાત કરતાં તેમણે કહ્યું કે હાલમાં ભારત દર વર્ષે રૂ .૮ લાખ કરોડના ક્રૂડ તેલની આયાત કરે છે. તે આગામી ૪-૫ વર્ષમાં બમણી થઈ જશે. સરકાર માટે પણ આ ચિંતાનો વિષય છે અને તેની અસર અર્થવ્યવસ્થા પર પડશે.

ગડકરીએ પેટ્રોલને બદલે ઇથેનોલના ઉપયોગને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. જયાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર ૧૦૦ રૂપિયાને વટાવી ગયા છે. તે જ સમયે ઇથેનોલની કિંમત ૬૦ થી ૬૨ રૂપિયા પ્રતિ લિટર છે. જયાં સુધી ઇથેનોલના કેલરીક મૂલ્યની વાત છે ત્યાં સુધી એક લિટર ઇથેનોલ આશરે ૭૫૦-૮૦૦ મિલિલીટર પેટ્રોલની સમકક્ષ છે. આ રીતે, ખર્ચવામાં આવતા દરેક લિટર ઇંધણમાં તે ૨૦ રૂપિયાની બચત કરશે.

(10:18 am IST)