Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

સર્વેમાં ખુલાસો

કોરોનાની બીજી લહેરમાં યુવા અને જૂના કર્મચારીઓએ સૌથી વધુ નોકરી ગુમાવી

સર્વેક્ષણ અનુસાર દરેક ઉંમરના લોકોએ ગયા વર્ષ કરતા આ વર્ષે વધુ લોકોએ નોકરી ગુમાવી છેઃ ૧૮થી ૨૪ વર્ષના ૯ ટકા કર્મચારીઓને અસ્થાયી રૂપે નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે

નવી દિલ્હી,તા.૧૮:સમગ્ર વિશ્વમાં કોરોનાની ગંભીર અસર જોવા મળી રહી છે. કોરોના વાયરસની બીજી લહેરમાં યુવા અને દ્યણા જૂના કર્મચારીઓ એ સૌથી વધુ નોકરી ગુમાવી છે. ફોર્ચ્યુન ૫૦૦ લિસ્ટની કંપનીઓ વચ્ચે કરાવવામાં આવેલા સર્વેમાં આ વાત સામે આવી છે. ભારતમાં એપ્રિલ ૨૦૨૧ દરમિયાન ૨,૦૦૦ લોકો વચ્ચે આ સર્વે કરાવવામાં આવ્યો છે.

ફાયનાન્સિયલ ટેકનોલોજી કંપની એફ.આઈ.એસ (FIS) દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર કોરોનાની બીજી લહેરમાં ૫૫ વર્ષથી અધિક ઉંમર ધરાવતા ૬ ટકા કર્મચારીઓએ સ્થાયી રૂપે નોકરી ગુમાવી છે. ગયા વર્ષે આ આંકડો ૪ ટકા હતો. ૨૪ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા લોકોમાં ૧૧ ટકા કર્મચારીઓએ સ્થાયી રૂપે નોકરી ગુમાવી છે. આ આંકડો ગયા વર્ષે ૧૦ ટકા હતો.

ભારતીય ઈકોનોમીનું અધ્યયન કરનાર શોધ સંસ્થાન સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઈકોનોમી (CMII)એ મે મહિનામાં નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના બીજી લહેરના કારણે દેશમાં એક કરોડથી વધુ ભારતીયોએ નોકરી ગુમાવી છે. બેરોજગારી દર ૧૨ મહિનાના ઉચ્ચ સ્તર પર લગભગ ૧૨ ટકાને આંબી ગયો છે.

સર્વક્ષણ અનુસાર દરેક ઉંમરના લોકોએ ગયા વર્ષ કરતા આ વર્ષે વધુ લોકોએ નોકરી ગુમાવી છે. ૧૮થી ૨૪ વર્ષના ૯ ટકા કર્મચારીઓને અસ્થાયી રૂપે નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે. ગયા વર્ષે આ જ વયના ૨૧ ટકા કર્મચારીઓને અસ્થાયી રૂપે નોકરી પરથી કાઢવામાં આવ્યા હતા. ૫૫થી અધિક ઉંમર ધરાવતા ૭ ટકા કર્મચારીઓની અસ્થાયીરૂપે છટણી કરવામાં આવી હતી, ગયા વર્ષે ૧૩ ટકા કર્મચારીઓએ નોકરી ગુમાવી હતી.

કંપનીએ જણાવ્યું કે ૧૮થી ૨૪ વર્ષના ૩૮ ટકા યુવાઓએ જણાવ્યું કે ૧૨ મહિના દરમિયાન તેમણે છેતરપિંડી થતા જોઈ છે. ૨૫થી ૨૯ વર્ષના ૪૧ ટકા કર્મચારીઓએ છેતરપિંડી થતી હોવાનું જણાવ્યું છે.

(10:19 am IST)