Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

દેશના એક તૃતીયાંશ બાળકોમાં આયર્નની ઉણપ

સર્વેમાં દેશભરમાંથી આશરે ૩૩ હજાર બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો

નવી દિલ્હી,તા. ૧૮ : હાલમાં જ કરવામાં આવેલા એક સર્વેમાં એવું જાણવા મળ્યું હતું કે દેશનાં એક તૃતીયાંશ બાળકો અને કિશોરાવસ્થામાં પહોંચી ગયેલી છોકરીઓ આયર્નની ઊણપથી પીડાય છે. હૈદરાબાદની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશિયન દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં આ બાબત સામે આવી હતી.

સર્વેમાં દેશભરમાંથી આશરે ૩૩ હજાર બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સર્વેમાં જાણવા મળેલી બીજી એક ચોંકાવનારી બાબત એટલે ગામડાં અને ગરીબ પરિવારનાં બાળકોમાં તો આયર્નનું લેવલ યોગ્ય હતું, પરંતુ તેમનામાં એનિમિયાના કેસ વધારે જોવા મળ્યા હતા.

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશનની સિનિયર સાયન્ટિસ્ટના જણાવ્યા અનુસાર શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ પૂરતું હોય એ જરૂરી બાબત છે. એ ડાયેટ અને તેની કવોલિટીથી જ સંભવ છે. તેના માટે આયર્ન સિવાય અન્ય પોષક તત્ત્વોને પણ ડાયેટમાં સામેલ કરવાં જરૂરી છે. સંશોધકોના મતે ગરીબ વર્ગનાં બાળકોનાં શરીરમાં હિમોગ્લોબિનની ઊણપનું મોટું કારણ ડાયેટમાં પોષક તત્ત્વોની ઊણપ હોવાનું જાણવા મળ્યું હતું. આ સિવાય આવાં બાળકોને સંક્રમણ થવાનું જોખમ સૌથી વધારે રહે છે. આને કારણે શરીરમાં આયર્ન એબ્સોર્બ કરવાની ક્ષમતા અને હિમોગ્લોબિન બનાવવાની પ્રક્રિયા ધીમી થઈ જાય છે.

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશનના ડિરેકટરનું એવું કહેવું છે કે આ સર્વે દરમિયાન સામાન્ય રીતે લોહીમાં હિમોગ્લોબિનના લેવલની ચકાસણી કરવામાં આવે છે અને તેમાં આયર્નની ઊણપ હોવાની વાત સામે આવી હતી. જે લોકોમાં આયર્નની ઊણપ હોય એવા લોકોને એનિમિયા થવાના ચાન્સીસ વધી જાય છે અને સારવાર માટે આયર્નનાં સપ્લિમેન્ટ્સ આપવામાં આવે છે.

(10:19 am IST)