Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

અક્ષય કુમારે કાશ્મીરમાં જવાનો સાથે વિતાવ્યો દિવસ

અક્ષય કુમાર ગઇ કાલે બપોરે એલઓસી નજીકના નીરૂ ગામમાં પહોંચ્યો હતો : જવાનો સાથે ડાન્સ પણ કર્યો : નીરૂ ગામમાં સ્કૂલનું મકાન બાંધવા ૧ કરોડનું દાન આપ્યું

બોલિવુડનો સ્ટાર એકટર અક્ષય કુમાર ગુરુવારે ઉત્ત્।ર કાશ્મીરના બાંદીપોરા જિલ્લાની ગુરેજ ઘાટી પાસે આવેલી નિયંત્રણ રેખા (એલઓસી) નજીક તુલૈલના નીરૂ ગામ પહોંચ્યો હતો. અહીં તેણે સેના અને BSFના જવાનો સાથે સમય પસાર કર્યો હતો.

અક્ષય કુમાર બપોરે ૧૨ વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર મારફતે નીરૂ ગામ પહોંચ્યો હતો. અહીં તેણે સ્થાનિકો તેમજ ફરજ પર તૈનાત જવાનો સાથે વાતચીત કરી હતી. અક્ષય કુમારે આ મુલાકાતની તસવીરો ટ્વિટર પર શેર કરી હતી. તસવીરોમાં જોઈ શકાય છે કે અક્ષય કુમાર આર્મી પ્રિન્ટવાળા હૂડી જેકેટ અને પેન્ટમાં જોવા મળે છે. તેણે પોતાનો લૂક કેપ, વ્હાઈટ સ્નીકર્સ અને ગોગલ્સ સાથે પૂરો કર્યો હતો.

એક તસવીરમાં અક્ષય કુમાર BSF (બોર્ડર સિકયુરિટી ફોર્સ)ના જવાનો સાથે પોઝ આપી રહ્યો છે અને બેકગ્રાઉન્ડમાં હેલિકોપ્ટર દેખાય છે. અન્ય એક તસવીરમાં તે જવાનો સાથે નાચતો જોવા મળી રહ્યો છે. તસવીરો શેર કરતાં અક્ષયે લખ્યું, 'સરહદની રક્ષા કરતાં @BSF_Indiના બહાદુર જવાનો સાથે યાદગાર દિવસ પસાર કર્યો. અહીં આવીને હંમેશા વિનમ્રતા અનુભવું છું. અસલી હીરોને મળ્યો. મારું હૃદય સન્માનથી છલોછલ થયું છે.'

સૂત્રોનું માનીએ તો, અક્ષય કુમારે તુલૈલના નીરૂ ગામમાં સ્કૂલનું બિલ્ડિંગ બનાવા માટે ૧ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. 'અક્ષય કુમારે નીરૂ ગામમાં શાળાનું મકાન બંધાવા માટે ૧ કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવેલા આર્મીના જવાનો અને બીએસએફના સૈનિકોનો જુસ્સો વધાર્યો હતો અને તેમની સાથે ખાસ્સો સમય વાતચીત કરી હતી. એકટરને જોવા ટોળે વળેલા ગામના સ્થાનિકો સાથે તેણે ડાન્સ પણ કર્યો હતો. આ કાર્યક્રમ નીરૂ ગામમાં એલઓસી પાસે તૈનાત બીએસએફના સૈનિકો દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. અક્ષય કુમારે ભારે હિમવર્ષા અને સુવિધાઓના અભાવ સાથે આ વિસ્તારમાં રહેવા બદલ આર્મી, બીએસએફ અને સ્થાનિકોની પ્રશંસા કરી હતી'

વર્કફ્રંટની વાત કરીએ તો, અક્ષય કુમાર પાસે ઘણાં રસપ્રદ પ્રોજેકટ્સ છે. લાંબા સમયથી અક્ષય કુમાર અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ 'સુર્યવંશી'ની રાહ જોવાઈ રહી છે. રોહિત શેટ્ટીના ડાયરેકશનમાં બનેલી આ ફિલ્મમાં અજય દેવગણ અને રણવીર સિંહનો કેમિયો પણ છે. આ ફિલ્મ માર્ચ ૨૦૨૦માં રિલીઝ થવાની હતી પરંતુ કોરોના મહામારીના કારણે રિલીઝ ટળી ગઈ છે.

આ સિવાય અક્ષય કુમાર, વાણી કપૂર, હુમા કુરેશી અને લારા દત્ત્।ાની ફિલ્મ 'બેલબોટમ' ૨૭ જુલાઈ ૨૦૨૧ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે. ઉપરાંત અક્ષય પાસે 'બચ્ચન પાંડે' નામની ફિલ્મ પણ છે જેમાં તે ક્રિતી સેનન સાથે જોવા મળશે.'રક્ષાબંધન', 'રામ સેતુ', 'અતરંગી રે' જેવી ફિલ્મો પણ લાઈનમાં છે.

(10:20 am IST)