Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

વોકલ ફોર લોકલ

લોકડાઉન છતાં ખાદીના વેંચાણમાં ધરખમ વધારોઃ રેકોર્ડબ્રેક કામકાજ : મોદીની અપીલનો જાદુ

૨૦૨૦-૨૧ દરમ્યાન કેવીઆઇસીએ રૂ. ૯૫,૭૪૧.૭૪ કરોડનો કારોબાર કર્યો

નવી દિલ્હી,તા. ૧૮ : કોરોના મહામારી દરમ્યાન વર્ષ ૨૦૨૦-૨૧ માં ખાદી અને ગ્રામોદ્યોગ પંચ (કેવીઆઇસી)એ પોતાનો અત્યાર સુધીનો સૌથી વધારે બીઝનેસ કર્યો છે. વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન કેવીઆઇસીએ ૯૫,૭૪૧.૭૪ કરોડ રૂપિયાનો બીઝનેસ કર્યો, જ્યારે ગયા વર્ષે એટલે કે ૨૦૧૯-૨૦માં ૮૮,૮૮૭ કરોડ રૂપિયાનો બીઝનેસ થયો હતો. આ હિસાબે બીઝનેસમાં ૭.૭૧ ટકાનો વધારો થયો છે.

ખરેખર તો, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માં ખાદી પંચનું રેકોર્ડ પ્રદર્શન બહુ મહત્વ ધરાવે છે. કેમ કે ગયા વર્ષે ૨૫ માર્ચે આખા દેશમાં લોકડાઉનની જાહેરાતના લીધે ઉત્પાદન લગભગ ૩ મહિનાથી વધારે સમય સુધી બંધ રહ્યુ હતું. આ દરમ્યાન બધા ખાદી યુનિટો અને વેંચાણ કેન્દ્રો બંધ હતા. જેનાથી ઉત્પાદન અને વેંચાણને ખરાબ અસર થઇ હતી.

વડાપ્રધાન મોદીના 'આત્મનિર્ભર ભારત' અને 'વોકલ ફોર લોકલ'ની અપીલ પર ખાદી પંચે ઝડપભેર કામ કર્યું છે. વર્ષ ૨૦૧૫-૧૬ની સરખામણીમાં ૨૦૨૦-૨૧માં ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રોમાં કુલ ઉત્પાદનમાં ૧૦૧ ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે આ સમય દરમ્યાન વેંચાણમાં ૧૨૮.૬૬ ટકાનો વધારો થયો છે.

ગ્રામોદ્યોગે ૨૦૧૯-૨૦માં ૬૫,૩૯૩. ૪૦ કરોડ રૂપિયાના ઉત્પાદનની સરખામણીમાં ૨૦૨૦-૨૧માં ૭૦,૩૨૯.૬૭ કરોડ રૂપિયાનું ઉત્પાદન કર્યું હતું. આવી જ રીતે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ગ્રામોદ્યોગ ઉત્પાદનોનું વેચાણ ૯૨,૨૧૪.૦૩ કરોડ રૂપિયાનું થયું. જ્યારે ૨૦૧૯-૨૦માં આ આંકડો ૮૪,૬૭૫.૨૯ કરોડ હતો.

(11:38 am IST)