Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

૨ દિ'માં ૭૦૦ માઇલનો પ્રવાસ ખેડી ૨૦૦૦ લાશો ગણી

ભારતના લીડીંગ ન્યુઝ પેપરે ૩૦ રિપોર્ટરો અને ફોટો જર્નાલીસ્ટને યુધ્ધના ધોરણે ગંગાના કિનારે ફિલ્ડમાં મોકલ્યા : કુંભમાં ૧ લાખ બોગસ કોરોના ટેસ્ટ

લખનૌ તા. ૧૮ : ભારતની સૌથી પવિત્ર ગણાતી નદી ગંગા છે અને મોટાભાગના હિન્દુઓ માને છે કે તેમાં ડૂબકી લગાવવાથી આત્મા પણ પવિત્ર થઇ જાય છે અને સર્વે પાપ ધોવાઇ જાય છે. પણ આ વર્ષે કોરોનાની બીજી લહેર દેશભરમાં ફેલાઇ ત્યારે ગંગા નદી પ્રશાસનની નિષ્ફળતાઓનું પ્રદર્શન કરનાર પણ બની છે.

બિહાર રાજ્ય હમણાં જ તેનો એપ્રિલ અને મે મહિનાનો કોરોનાથી થયેલ મોતનો આંકડો ૫૪૨૪માંથી સુધારીને ૯૩૭૫ કર્યો છે. હિન્દુઓનો મોટો ધાર્મિક મેળો કુંભ મેળો એપ્રિલમાં યોજાયો જેણે સુપરસ્પ્રેડર બનવાનું કામ કર્યું. કુંભ મેળામાં ખાનગી એજન્સીઓને કોરોના ટેસ્ટની કામગીરી સોંપાઇ હતી. જેમાં ૧ લાખ ટેસ્ટ ખોટા હોવાનું બહાર આવ્યું છે. બીજી લહેર હવે ધીમે ધીમે નબળી પડી રહી છે અને લગભગ ૩,૮૦,૦૦૦ મોત અત્યાર સુધીમાં થયાનું બહાર આવ્યું છે. સ્થાનિક અને કેન્દ્રના સત્તાવાર મોતના આંકડાઓ છૂપાવવાના પ્રયત્નો કરે છે પણ ગંગા નદી ખોટું નહી બોલે ૧૨ મે એ બિહારના કસર જિલ્લાના ગ્રામજનોને નદીમાં તરતી ફુલાયેલી અને વિકૃત લાશો મળી હતી. તો તેની ઉપરવાસના જિલ્લા ગાગીપુરમાં આવી જ રીતે લગભગ ૧૦૦ લાશો કાઢવામાં આવી હતી. એક સીનીયર પોલિસ અધિકારીએ કહ્યું કે, આ લાશો ઉત્તરપ્રદેશમાંથી તરતી તરતી અહીં સુધી આવી છે.

આની તપાસ માટે રાષ્ટ્રીય દૈનિક ભાસ્કરે ૩૦ રિપોર્ટરો અને ફોટો જર્નાલીસ્ટોને ઉત્તરપ્રદેશના ગંગાકાંઠાના મોટા શહેરો અને જિલ્લાઓમાં મોકલ્યા હતા. આ રિપોર્ટરોએ ફકત અને ૧૨ અને ૧૩ મેના બે દિવસમાં ગંગાના કિનારે ૭૦૦ માઇલનો પ્રવાસ ખેડીને ૨૦૦૦ શબ ગણ્યા હતા. સામાન્ય દિવસોમાં આ સંખ્યા ૬૫ થી ૭૦ની હોય છે. રાજ્ય સરકારનું પ્રશાસન કહે છે કે ૧ એપ્રિલથી મે ૧૩ વચ્ચે ૭૮૨૬ લોકોના મરણ થયા હતા. ગરીબ ગ્રામજનો અંતિમ ક્રિયા માટેના લાકડા ખરીદી શકે તેમ ના હોવાથી નદીના કિનારે જ થોડો ખાડો કરીને શબને દાટી દે છે. એપ્રિલ મધ્યથી મે મધ્ય સુધી વધારે રિપોર્ટીંગ પછી આ પત્રકારોનો અંદાજ છે કે નદી કિનારાના લગભગ એક માઇલમાં આવા લગભગ ૪૦૦૦ શબો દટાયા છે. ચોક્કસ આંકડો કયારેય જાણવા નહીં મળે પણ હવામાને તે ચોક્કસ દર્શાવી દીધું. મેની શરૂઆતમાં આવેલ વરસાદે ગંગાના કિનારાઓ ધોઇ નાખતા દફન કરાયેલી લાશો બહાર આવી ગઇ હતી. આ વરસાદે ગ્રામ્ય આરોગ્ય સેવા મજબૂત કરવાના અને પૂરતી રસી હોવાના દાવાઓ કરતી સરકારની પોલ ખોલી નાખી હતી. (ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી સાભાર)

(2:55 pm IST)