Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

યુપીમાં સંઘ મેદાનમાં આવ્યુઃ ૯ થી ૧૩ જુલાઇ ચિત્રકૂટમાં પ્રચારકોની બેઠકઃ વિવિધ મુદે ચર્ચા થશે

કોરોનાની બીજી લહેર દરમિયાન ઉભો થયેલ લોકરોષને ઠારવા અને આગામી ચૂંટણીમાં વધુ નુકશાન અટકાવવા : સંઘ પ્રમુખ ભાગવતજી દતાત્રય હોસબોલ, અરૂણકુમાર, ભૈયાજી જોષી સહીતના હાજર રહેશે

લખનૌઃ યુપીમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ને લઇને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ એકશનમાં આવ્યુ છે. યુપી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ ચિત્રકુટમાં સંઘના પ્રાંત પ્રચારકોની બેઠક ૯ થી ૧૩ જુલાઇના યોજાનાર છે. આ અગાઉ સંઘના સરકાર્યવાહ દતાત્રેય હોસબોલે લખનૌમાં ચાર દિવસનો પ્રવાસ કરી ચૂકયા છે.

ત્યારબાદ સંઘ પ્રમુખ મોહન ભાગવતજીની હાજરીમાં આગામી ચૂંટણીને લઇને ખુબ જ અગત્યની બેઠક થવાની વાત પણ સામે આવી છે. ચિત્રકૂટમાં યોજાનાર આ પ્રાંત પ્રચારકની બેઠકમાં સંઘ પ્રમુખ ભાગવતજી પણ ભાગ લેનાર છે. માહિતી મુજબ આ બેઠકમાં યુપી વિધાનસભા ચૂંટણી પહેલા સંઘના કાર્યકર્તાઓમાં સક્રીયતા વધારવાની રણનીતી બનાવાશે.

આ બેઠકમાં ભાગવતજી ઉપરાંત, સરકાર્યવાહ દતાત્રેય હોસબોલે, ડો.કૃષ્ણ ગોપાલ, અરૂણકુમાર, ડો.મનમોહન વૈદ્ય, ભૈયાજી જોષી સહીતના સંઘના પદાધિકારીઓ હાજર રહેશે. સાથે જ દેશભરમાંથી સીનીયર પ્રચારકો વર્ચ્યુઅલી જોડાશે. બીજી તરફ બેઠકમાં યુપીમાં કોરોનાને કારણે આવેલ ગુસ્સાને ઓછો કરવા પણ ચચા થશે. હોસબોલેના યુપી પ્રવાસ બાદ સ્થાનિક ભાજપમાં હલચલ વધી ગયેલ. ત્યારબાદ યોગીએ નરેન્દ્રભાઇ અને અમિતભાઇ સાથે મુલાકાત કરેલ.

હકીકતે યુપી પંચાયતની ચૂંટણીમાં ભાજપના ખરાબ પ્રદર્શન બાદ ફકત પાર્ટી જ નહી સંઘ પણ પ્રદેશમાં એકટીવ થયેલ. માનવામાં આવે છે કે કોરોનાની બીજી લહેરમાં ખરાબ વ્યવસ્થા અને અનેક મોતથી લોકોમાં સરકાર સામે ગુસ્સો હતો. તે સમયે કોંગ્રેસ અને સપાએ ખરાબ વ્યવસ્થા અંગે યોગી સામે મોરચો ખોલેલ. પંચાયત ચૂંટણીમાં ડયુટી ઉપર રહેલ શિક્ષકોના મોત, ગંગામાં તરતા મૃતદેહો, નદી કીનારે દફનાવાયેલ મૃતદેહો, ઓકસીજનની અછત ઉપર ભાજપ ઘેરાયેલુ નજરે પડે છે. જે જોતા સંઘ સક્રીય થયુ છે અને વધુ નુકશાન ટાળવા રણનીતી બનાવશે.

(3:05 pm IST)