Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

જીવનમાં જે પણ કંઈ કરો તે બેસ્ટ કરો, તમારી જાત સિવાય તમને કોઈ સફળ નહિ કરી શકેઃ સંજય રાવલ

રાજકોટ, તા. ૧૭ :. થોડા સમય પહેલા સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કેલિડોસ્કોપ સિરીઝની પ્રથમ કેડીના ભાગ રૂપે  'ઉમ્મીદ ર૦ર૧' વિષય ઉપર સંજય રાવલ સાથે ફેસ ટુ ફેસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે લોકોને જીવનની હકીકતોથી વાકેફ કર્યા હતા અને ફેસ ટુ ફેસ લોકોને મૂંઝવતા સવાલોના પ્રેરક જવાબો પણ આપ્યા હતા.

વકતા સંજય રાવલે જણાવ્યું હતું કે, આપણને જન્મતાની સાથે જ સમાજે આટલી બધી લાકડીઓ આપી દીધી છે કે તેના ટેકા વગર જીવવાનું આપણે વિચારી જ નથી શકતા. આપણે ભિક્ષુક બનવાની અને ટેકો લેવાની આદત છોડવી પડશે. એક વાત ધ્યાનમાં રાખજો કે તમારી જાત સિવાય તમને કોઇ જ સફળ કરી શકે નહીં. સરળતાના દિવસો ગયા, સફળ થવા માટે સખત મહેનત કરવી પડશે. આજના યુગમાં ૧પ કલાક મહેનત નહીં કરશો તો સફળ નહીં થશો. ભારતમાં જન્મ મળવો એ લોટરી છે. ભગવાને તમને સૌથી શ્રેષ્ઠ શ્રેણીમાં જન્મ આપ્યો છે. લોકોને જીવન જીવવાની સમજ નથી.

તેમણે કહયું કે, ડર એ અજ્ઞાનતા છે. લોકો શું કહેશે તે વિચારીને જીવશો નહીં. જીવનશૈલી બદલવી પડશે. બધાને સાથે લઇને ચાલવું પડશે. જીવનમાં જે પણ કરો એ બેસ્ટ કરો, પરંતુ બીજાને બતાવવા માટે કશું ના કરો. બીજાને બતાવવા માટે તમે જે કરો છો એ પાપ છે અને પોતાને બતાવવા માટે કરો એ જ પુણ્ય છે. બધાથી જુદું જીવો. ખુલીને જીવો અને હસતા રહો. નવા વર્ષમાં કઇ સારું કરવા માગો છો તો રોજ એક માણસને નાનકડી મદદ કરજો. પૈસા અને જીવનસાથી માટે પણ ખોટું કરશો નહીં. બધા કરે એવું તમે કરશો નહીં. તન અને મન સારા રહેશે તો ધન આપોઆપ આવશે. તેમણે કહયું કે, આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પ્રાર્થના એવી કરવાની કે આંખો આપોઆપ જ બંધ થઇ જાય.

સંજય રાવલે જણાવ્યું કે, જીવનનો કોઇ સિલેબસ નથી. ભગવાન દર ૧૦૦ વર્ષે આપણને સમજાવવા માટે વાયરસ મોકલે છે પણ આપણે સમજતા નથી. કોરોનાએ શીખવ્યું કે થોભો નહીં તો થાકી જશો. પરિવારજનો સાથે રહેવાની અને જીવન શું છે તે દિશામાં વિચારતા કરવાની કળા કોરોનાએ શીખવી છે. મનુષ્ય જન્મ જ સફળતાનો પર્યાય છે. ઇશ્વરમાં અતૂટ વિશ્વાસ રાખો અને જીવનમાં જે કંઇપણ થાય છે તેને સ્વીકારવાનું રાખો. સંયુકત કુટુંબમાં રહો. સંસ્કાર હશે તો પૈસો આપોઆપ આવશે જ.

  • સંજયભાઈ તેમના નામની પાછળ માતાનું નામ અને પછી પિતાનું નામ લખાવે છે

રાજકોટ, તા. ૧૭ :. આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા સહુપ્રથમ માતાને સ્થાન આપી 'માતૃદેવો ભવ' અને ત્યાર પછી 'પિતૃદેવો ભવ' અને 'આચાર્ય દેવો ભવ'ની વાત કરવામાં આવી છે. સંજયભાઈને આ વાત ખૂબ ગમી ગઈ હોવાથી તેઓ પોતાના નામ પછી તેમના માતુશ્રી મેનાબેનનું નામ લખાવે છે અને ત્યારબાદ પિતાશ્રી સોમનાથભાઈનું નામ આવે છે. આ રીતે તેઓ પોતાને સંજયભાઈ મેનાબેન સોમનાથભાઈ રાવલ તરીકે ઓળખાવે છે.

પાલનપુરના એક અતિ સામાન્ય મધ્યમવર્ગીય બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. કુટુંબની વિકટ પરિસ્થિતિ અને અનેક પ્રકારના સંઘર્ષોનો સામનો કરતાં રહી તેમણે પાલનપુરમાંથી બી.એસસી. તથા એલ.એલ.બી.નો અભ્યાસ પૂરો કર્યો. ત્યારબાદ અમદાવાદને તેમણે પોતાની કર્મભૂમિ બનાવી છે.

સંજયભાઈ તેમના નામને અનુરૂપ સંજયદૃષ્ટિ એટલે કે દૂર સુધી જાઈ શકવાની દૂરંદેશીય દૃષ્ટિ ધરાવે છે. આવનારી યુવાન પેઢીમાં વાંચનની સાથે કસરતના સંસ્કારોનું સિંચન કરી તેમના આત્મવિશ્વાસ દ્વારા તેમની આંતરિક ક્ષમતાઓને બહાર લાવવા તેઓ નિરંતર પ્રયત્નશીલ છે.

'હવે મને પહેલાં કરતાં સારું લાગે છે' અને 'મને ગમે છે તમને પણ ગમશે' - સંજયભાઈના આ બે પુસ્તકોની એક લાખ દસ હજારથી પણ વધુ નકલો વેચાઈ ચૂકી છે. તેઓ 'તક્ષશિલા' ટ્રેઝર બુકસ એન્ડ લાઈફસ્ટાઈલ સ્ટોર્સના માલિક છે. આ ઉપરાંત 'ટ્રેઝર રેસિડેન્સી' નામક બંગલો તથા ફલેટની સ્કીમના તેઓ એક સફળ ઓર્ગેનાઈઝર પણ છે.

બે પુસ્તકોની એક લાખ દસ હજારથી પણ વધુ નકલો વેચાઈ ચૂકી છે. તેઓ 'તક્ષશિલા' ટ્રેઝર બુકસ એન્ડ લાઈફસ્ટાઈલ સ્ટોર્સના માલિક છે. આ ઉપરાંત 'ટ્રેઝર રેસિડેન્સી' નામક બંગલો તથા ફલેટની સ્કીમના તેઓ એક સફળ ઓર્ગેનાઈઝર પણ છે.

  • સંજય રાવલની મુલાકાતની સાથે સાથે...

.   બાળકને શરૂઆતથી કયા ક્ષેત્રમાં જવાની ઈચ્છા છે તે જાણી લેવુ જોઈએ ત્યાર બાદ જે તે ક્ષેત્રમાં મોકલીએ તો પિસ્તોલ જેવોે થઈને બહાર નીકળે

.   ચોર છે તો પોલીસ છે અને પોલીસ છે તો કોર્ટ છે આવી રીતે આખી સિસ્ટમ જુદા જુદા વિભાગોમાં ચાલે છે

.   રાજ્યના મંત્રીઓ - અધિકારીઓના સંતાનોને સરકારી શાળામાં ભણાવવા આદેશ આપવો જોઈએ

.   ૧૦૦માંથી ૯૦ ટકા ફિલ્મ ડાયરેકટરો ફિલ્મનો વ્યવસાય છોડી દે છે કારણ કે તેમની પાસે પુરતો અનુભવ નથી હોતો

.   હવે સેમિનાર કરતા આરોગ્ય, શિક્ષણ અને કૃષિ તરફ વધુ ધ્યાન આપવું છે

(5:10 pm IST)