Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

દીદીના ભત્રિજાને લાફો મારનારા ભાજપના નેતાનું રહસ્યમય મોત

પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાનો દોર જારી : અજ્ઞાત લોકોએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા, બાદમાં તેમને મૃત જાહેર કરાયા, પરિવાર દ્વારા હત્યાનો આરોપ

કોલકાતા, તા. ૧૮ :  પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાની વધુ એક ઘટના સામે આવી છે. વર્ષ ૨૦૧૫માં એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને થપ્પડ મારનારા ભાજપના નેતાનું મોત થયું છે. ભાજપના નેતા દેવાશીષ આચાર્યનું ગુરૂવારે સાંજના સમયે ખૂબ જ રહસ્યમય સંજોગોમાં મોત થયું છે અને પરિવારજનો દ્વારા હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

જાણવા મળ્યા મુજબ કેટલાક અજ્ઞાત લોકોએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા અને થોડા સમય બાદ તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. ખૂબ જ ગંભીર રીતે ઘાયલ ભાજપના નેતા દેવાશીષ આચાર્યને મિદનાપુરની તમલુક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલ પ્રશાસનના કહેવા પ્રમાણે ગુરૂવારે સવારે કેટલાક લોકોએ એક ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. થોડા સમય બાદ ડૉક્ટર્સે ઘાયલ વ્યક્તિ અંગે પુછપરછ માટે તેમને બોલાવ્યા ત્યારે તેઓ ફરાર થઈ ગયા હોવાની જાણ થઈ હતી.

આ તરફ ભાજપના નેતાઓએ દેવાશીષ આચાર્યના મૃત્યુને લઈ સવાલ ઉઠાવ્યા છે. નેતાઓના કહેવા પ્રમાણે ટીએમસીના કાર્યકરો સતત ભાજપના નેતાઓને ટાર્ગેટ કરી રહ્યા છે પરંતુ મુખ્યમંત્રી આ મુદ્દાની અવગણના કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દેવાશીષ આચાર્યે ૨૦૧૫માં એક રાજકીય કાર્યક્રમ દરમિયાન મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને ભરી સભામાં થપ્પડ મારી હતી. જોકે ત્યાર બાદ ટીએમસીના સમર્થકોએ તેમની ખૂબ જ મારપીટ કરી હતી અને પોલીસે તેમની ધરપકડ કરી હતી પરંતુ અભિષેક બેનર્જીની દખલ બાદ તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

(7:52 pm IST)