Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

મુંબઈના વેપારીને બાયોડીઝલ વેચાણ આપવાનું કહીને .24.48 લાખ ખંખેરી લીધા:ચાર શખ્શો વિરુદ્ધ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

ચારેએ પૈસા પરત ન આપી કે માલ ન મોકલી કલ્પેશભાઈ સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરી

અમદાવાદ : મુંબઈના વેપારીને બાયોડીઝલ વેચાણ આપવાનું કહીને રૂ.24.48 લાખ મેળવી પૈસા પરત ન આપી ઠગાઈ અને વિશ્વાસઘાત કરનાર ચાર શખ્સોના વિરુદ્ધમાં રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી.

 આ અંગેની વિગત મુજબ મુંબઈના ત્રીદેવ નિલકંઠનગરની ગલીમાં રહેતા કલ્પેશભાઈ શાહ થોડા દિવસ પહેલા રખિયાલના ઈન્ટર ગ્લોબલ રિસોર્સીસના માલિક નાગેશકુમાર કથરીયા, નેહાબહેન, આશીષ અગ્રવાલ અને અભયસિંગ ના સંપર્કમાં આવ્યા હતા. કલ્પેશભાઈને તેમની કંપનીમાં બાયોડીઝલની જરૂર હોવાથી તે ખરીદવાની વાત કરી હતી. ત્યારે આ ચારેયે ભેગા મળીને તેમને બાયોડીઝલ વેંચાણ કરી આપવાનું જણાવ્યું હતું. જેથી કલ્પેશભાઈએ આ ચારે પર વિશ્વાસ મુકીને બાયોડીઝલના રૂ.24.48 લાખ ચૂકવી આપ્યા હતા.

જો કે દિવસો વિતતા ગયા તેમ છતા બાયોડીઝલનો જથ્થો કલ્પેશભાઈને મળ્યો ન હતો. જેથી તેમણે ફોન કર્યો ત્યારે આ ચારે માલ મોકલવા બાબતે ગોળ ગોળ વાતો કરવા લાગ્યા હતા. જેથી કલ્પેશભાઈએ આપેલા પૈસા પરત માંગવાનું કહેતા ચારેએ પૈસા પરત ન આપી કે માલ ન મોકલી કલ્પેશભાઈ સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હતી. જેથી કલ્પેશભાઈએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં નાગેશકુમાર, નેહાબહેન, આશીષ અને અભયસિંગના વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

(10:17 pm IST)