Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

કાનપુરમાં અગ્નિપથ યોજનાના વિરોધની આડમાં હિંસા ભડકાવવાના ષડયંત્રનો પર્દાફાશ: સ્ક્રીન શોટ વાયરલ

હિંસા ફેલાવવાના કાવતરામાં સામેલ 247 લોકોની પોલીસે ઓળખ કરી: ધરપકડનો દોર શરૂ : વોટ્સએપ ગ્રુપનું નામ TOD : પોલીસને 7 મોબાઈલ નંબર મળ્યા: અરાજક તત્વો અને સંગઠનોએ વિદ્યાર્થીઓને ઉશ્કેરીને હિંસક વિરોધ કરવાની યોજના બનાવી ,

સેનાની ભરતી માટે લાવવામાં આવેલી અગ્નિપથ યોજના સામે દેશના ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ઘણા શહેરોમાં યુવાનોનું આ પ્રદર્શન હિંસક બની ગયું છે. કાનપુરમાં અગ્નિપથ યોજનાના વિરોધની આડમાં એક ઊંડું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. અહીં હિંસા ભડકાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.

કાનપુરના સંયુક્ત પોલીસ કમિશનર કાયદો અને વ્યવસ્થા આનંદ પ્રકાશ તિવારીએ જણાવ્યું કે હિંસા ફેલાવવાના કાવતરામાં સામેલ 247 લોકોની પોલીસે ઓળખ કરી લીધી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. બાબુ પૂર્વા, કાકદેવ સહિત અનેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિંસક પ્રદર્શનની યોજના બનાવી રહેલા લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. પોલીસને 7 મોબાઈલ નંબર મળ્યા છે, જેના આધારે તે લોકોને પકડવાનો પ્રયાસ કરી રહી છે.

પોલીસ અધિકારીએ કહ્યું કે વિદ્યાર્થીઓની આડમાં કાનપુરનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેટલાક અરાજક તત્વો અને સંગઠનોએ વિદ્યાર્થીઓને ઉશ્કેરીને હિંસક વિરોધ કરવાની યોજના બનાવી હતી, જેના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. કાવતરું ઘડનારા ચહેરાઓ સામે છે, તેમને પકડવામાં આવી રહ્યા છે.

વોટ્સએપ ગ્રુપની ચેટનો સ્ક્રીનશોટ મળ્યો છે. આ વોટ્સએપ ગ્રુપનું નામ TOD છે, જેમાં હિંસા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ગ્રુપમાં 247 લોકો જોડાયેલા છે, જે કાનપુર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હિંસા ફેલાવવાની વાત કરી રહ્યા છે.

નોંધનીય છે કે આજે દેશના ઘણા શહેરોમાં હિંસક પ્રદર્શનો થયા છે. ઘણી જગ્યાએ ટ્રેનોને આગ ચાંપી દેવામાં આવી છે. તેલંગાણાના સિકંદરાબાદમાં પોલીસ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું છે. તો બિહારના લખીસરાયમાં એક વ્યક્તિનું ટ્રેનમાં શ્વાસ રૂંધાવાથી મોત થયું છે. આ વિરોધને ધ્યાનમાં રાખીને ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ઘણાને રિશિડ્યુલ કરવામાં આવ્યા છે. જયારે પોલીસે હિંસામાં સામેલ પ્રદર્શનકારીઓ પર પણ કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે.

(9:42 pm IST)