Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

CAPF - અસમ રાઇફલ્‍સમાં અગ્નિવીરોને ૧૦% અનામત

અગ્નિપથ યોજનાને લઇને થઇ રહેલા હોબાળા વચ્‍ચે ગૃહ મંત્રાલયે લીધો મહત્‍વનો નિર્ણય : વયમર્યાદામાં પણ ૩ વર્ષની છુટ જાહેર : યુવાનોનો રોષ ઠંડો પાડવા સરકાર મેદાને : આજે સંરક્ષણ મંત્રીની બેઠક

નવી દિલ્‍હી તા. ૧૮ : કેન્‍દ્ર સરકારે જાહેરાત કરી છે કે તે CAPF અને આસામ રાઇફલ્‍સ જેવા દળોમાં ચાર વર્ષ પૂરા કર્યા પછી સેનામાં અગ્નિપથ યોજના હેઠળ પસંદ કરાયેલા યુવાનોને ૧૦ ટકા અનામત આપશે. ગૃહ મંત્રાલયના એક ટ્‍વીટમાં કહેવામાં આવ્‍યું છે કે અગ્નિવીરોને આ બે કેન્‍દ્રીય દળોમાં ભરતી માટે મહત્તમ વય મર્યાદા કરતાં ત્રણ વર્ષ વધુ સુધીની છૂટ મળશે. તે જ સમયે, અગ્નિવીરોની પ્રથમ બેચ માટે, આ છૂટ પાંચ વર્ષની હશે. આ ઉપરાંત, અગ્નિવીરોને પેરા મિલિટરી ફોર્સ અને આસામ રાઈફલ્‍સમાં ભરતી માટે ઉપલી વય મર્યાદામાંથી ૩ વર્ષની છૂટ આપવામાં આવશે. તે જ સમયે, અગ્નિવીરની પ્રથમ બેચ માટે, વયમાં છૂટછાટ નિર્ધારિત ઉપલી વય મર્યાદામાંથી ૫ વર્ષ માટે રહેશે.
સરકાર તરફથી આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જયારે દેશભરના યુવાનો અગ્નિપથ યોજનાને લઈને રસ્‍તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે. બિહારના જહાનાબાદમાં ફરી પ્રદર્શનકારીઓના જૂથ દ્વારા બસો અને ટ્રકોને આગ ચાંપી દેવામાં આવી હતી. હાલમાં આ સ્‍થિતિને નિયંત્રણમાં રાખવા માટે ઘણા જિલ્લાઓમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. આ સાથે ઈન્‍ટરનેટ પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.
ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં જાહેરાત અનુસાર,  CAPF અને આસામ રાઇફલ્‍સમાં ભરતીમાં અગ્નિપથ યોજના હેઠળ ૪ વર્ષ પૂર્ણ કરનારા અગ્નિવીર માટે ૧૦% ખાલી જગ્‍યાઓ અનામત રાખવાનો મહત્‍વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્‍યો છે. ઉપરાંત, ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઈફલ્‍સમાં ભરતી માટે અગ્નિવીરોને નિર્ધારિત મહત્તમ પ્રવેશ વય મર્યાદામાં ૩ વર્ષની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે અને અગ્નિપથ યોજનાની પ્રથમ બેચ માટે આ છૂટછાટ ૫ વર્ષની રહેશે.
અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં થઈ રહેલા વિરોધ વચ્‍ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે એટલે કે શનિવારે સેનાના ત્રણેય પાંખોના વડા સાથે બેઠક કરશે. મહત્‍વનું છે કે, આજે   સવારે ૧૧.૩૦ કલાકે બોવલાવેલી બેઠકમાં અગ્નિપથ યોજના અને દેશમાં ચાલી રહેલા હોબાળાને લઈને ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,   અગ્નિપથ મિલિટરી રિક્રુટમેન્‍ટ યોજનાના વિરોધમાં વેગ પકડવાને કારણે આર્મી, નેવી અને એર ફોર્સે શુક્રવારે આ નવા ‘ફોર્મેટ' હેઠળ પસંદગી પ્રક્રિયાને આગામી સપ્તાહ સુધીમાં શરૂ કરવાની જાહેરાત કરી હતી. બીજી બાજુ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સશસ્ત્ર દળોમાં જોડાવા ઈચ્‍છતા યુવાનોને તેમની તૈયારી શરૂ કરવા માટે અપીલ કરી હતી.
કેન્‍દ્ર સરકાર સેનામાં ભરતી માટે નવી યોજના લઈને આવી છે, અગ્નિપથ. આ યોજનામાં યુવાનો પાસે ચાર વર્ષ માટે દેશ સેવા કરવાનો મોકો મળશે જેમાં સારી સેલેરી અને ચાર વર્ષની સેવા માટે ૧૦ લાખથી વધુની રકમ એક સાથે આપવામાં આવશે, જોકે આ યોજનાનો ખૂબ જ ખરાબ રીતે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર ઉત્તર ભારત અગ્નિપથના આક્રોશની આગમાં સળગી રહ્યું છે ત્‍યારે સતત ચોથા દિવસે બિહારમાં પરિસ્‍થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે.
આજે જહાનાબાદમાં એક ટ્રક અને બસમાં આગ લગાવવામાં આવી છે અને અનેક જગ્‍યાઓ પર પથ્‍થરમારો થઈ રહ્યો છે. પોલીસ બળ તૈનાત છે પણ ભીડની સામે બેબસ દેખાઈ રહી હતી.
બિહારમાં ચાર દિવસેથી અસામાજિક તત્‍વો આતંક મચાવી રહ્યા છે, ડઝનથી વધારે ટ્રેનોમાં રોજ આગ લગાવવામાં આવી રહી છે. રેલવે સ્‍ટેશન, બસ સ્‍ટેશન સહિતની જગ્‍યાઓ પર તોડફોડની તસવીરો સામે આવી રહી છે. સરકારી આવાસ અને ભાજપ કાર્યાલયોને આગના હવાલે કરવામાં આવી રહ્યા છે ત્‍યારે શનિવારે સવાર સવારમાં જ હિંસા શરૂ થઈ ગઈ હતી.
સતત બગડતી પરિસ્‍થિતિને જોતાં બિહારમાં ૧૫ જિલ્લાઓમાં ઈન્‍ટરનેટ સેવા બંધ કરી દેવાના આદેશ આપવામાં આવ્‍યા છે, આ આદેશ ૧૯ જૂન સુધી લાગુ રહેશે.

 

(11:05 am IST)