Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

LICના શેરમાં નાણાં રોકીને છેતરાયાનો અહેસાસ કરતા રોકાણકારો ! ૩૨% તૂટયો સ્‍ટોક

દેશની મોસ્‍ટ અવેઇટેડ લાઇફ ઇન્‍સ્‍યોરન્‍સ કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયાના આઇપીઓનું એવું ખરાબ ભાગ્‍ય હશે કે રોકાણકારોએ કલ્‍પના પણ નહીં કરી હોય

નવી દિલ્‍હી તા. ૧૮ : દેશની મોસ્‍ટ અવેઈટેડ લાઈફ ઈન્‍સ્‍યોરન્‍સ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા (LIC)ના IPOનું એટલું ખરાબ ભાગ્‍ય હશે કે રોકાણકારોએ વિચાર્યું પણ નહીં હોય. આ ઈસ્‍યુમાં પૈસા લગાવનારા લોકો હવે નિરાશ દેખાઈ રહ્યા છે અને શેર વેચીને જતા રહ્યા છે. LICના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. વીમા કંપનીના શેર શુક્રવારે નવી નીચી સપાટીએ પહોંચ્‍યા હતા. શુક્રવારે LICના શેર ૨% કરતા વધુ ઘટીને ૬૫૪.૩૫ રૂપિયા પર બંધ થયા હતા.
વિશાળ વીમા કંપનીના શેર તેની ઇશ્‍યૂ કિંમતના રૂા. ૯૪૯ પ્રતિ ઇક્‍વિટી શેરના ઉપલા પ્રાઇસ બેન્‍ડમાંથી ૩૨ ટકાથી વધુ તૂટ્‍યા હતા. ઈન્‍સ્‍યોરન્‍સ જાયન્‍ટની લિસ્‍ટિંગ વખતે લગભગ રૂ. ૬.૫ લાખ કરોડનું માર્કેટ કેપ હતું જે હવે રૂ. ૪.૧૭ લાખ કરોડ છે. M-Cap ના સંદર્ભમાં LIC હાલમાં BSE પર સાતમી સૌથી મૂલ્‍યવાન કંપની છે. અમે તમને જણાવી દઈએ કે એક મહિના પહેલા, ૧૭ મેના રોજ, LIC એ ૮% થી વધુ ડિસ્‍કાઉન્‍ટ સાથે તેની શરૂઆત કરી હતી અને BSE પર રૂા. ૮૭૨ પર લિસ્‍ટેડ હતી. તે અઠવાડિયે પછીથી, એલઆઈસીના શેર પણ રૂ. ૯૨૦નસ સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્‍યા હતા. પરંતુ તે પછી એલઆઈસીના શેરો નેગેટિવ ઝોનમાં પ્રવેશ્‍યા અને બજારમાં મંદીના વલણને કારણે ભારે ઘટાડો નોંધાયો. ૧૭મી જૂનના રોજ માર્કેટ કેપ ઘટીને રૂા. ૧,૮૬,૧૪૨.૪ કરોડ થઈ ગયું છે.
મને લાગે છે કે ખરીદી કરવાનો આ યોગ્‍ય સમય છે, એલઆઇસીના ચેરમેન એમ.આર. કુમારે શુક્રવારે બિઝનેસ ટુડેને આપેલી મુલાકાતમાં જણાવ્‍યું હતું. કુમારે કહ્યું કે એલઆઈસી હંમેશા કોન્‍ટ્રાસ્‍ટ રોકાણકાર રહી છે. અમે હંમેશા ઘટતા બજારમાં ખરીદી કરીશું અને વધતા બજારમાં વેચીશું. કુમારે જણાવ્‍યું હતું કે એકવાર પરિસ્‍થિતિ સુધરી જશે તો શેર ફરી ઊછળશે. ‘હું લોકોને રોકાણમાં રહેવા અને સ્‍ટોક રાખવાની સલાહ આપીશ'.

 

(4:53 pm IST)