Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

આસામ પૂરમાં ૫૪ લોકોના મોત : ૧૮ લાખથી વધુ લોકો પ્રભાવિત

મહેસૂલી વર્તુળો હેઠળના ૨,૯૩૦ ગામો હાલમાં પાણી હેઠળ

ગુવાહાટી તા. ૧૮ : આસામ સ્‍ટેટ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરિટી એ માહિતી આપી છે કે, આસામમાં પૂરને કારણે વધુ નવ લોકોના મોત થયા છે. જેનાથી અત્‍યાર સુધીમાં કુલ મૃત્‍યુઆંક ૫૪ પર પહોંચી ગયો છે. આસામના હોજાઈ, નલબારી, બજલી, ધુબરી, કામરૂપ, કોકરાઝાર અને સોનિતપુર જિલ્લામાંથી મૃત્‍યુ નોંધાયા છે. આ વર્ષે અત્‍યાર સુધીમાં રાજયમાં પૂર અને ભૂસ્‍ખલનના કારણે ૫૪ લોકોએ જીવ ગુમાવ્‍યા છે. આસામના પૂરમાં ૨૮ જિલ્લાઓમાં ૧૮.૯૪ લાખ લોકો પૂરની સ્‍થિતિથી પ્રભાવિત થયા છે. રાજયના આંકડા મુજબ, ૯૬ મહેસૂલી વર્તુળો હેઠળના ૨,૯૩૦ ગામો હાલમાં પાણી હેઠળ છે.
અહેવાલો અનુસાર, પૂર પ્રભાવિત જિલ્લાઓમાં ૪૩૩૩૮.૩૯ હેક્‍ટર પાકની જમીન ડૂબી ગઈ છે. રાજયમાં બેકી, માનસ, પાગલડિયા, પુથિમરી, જિયા ભરાલી, કોપિલી ખાતે બ્રહ્મપુત્રા નદીનું જળસ્‍તર ખતરાના નિશાન ઉપર વહી રહ્યું છે. હાલમાં, ૧,૦૮,૧૦૪ પૂર પ્રભાવિત લોકો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્‍થાપિત ૩૭૩ રાહત શિબિરોમાં રહે છે. જેમાંથી એકલા બજલી જિલ્લામાં ૩.૫૫ લાખ, દારંગ જિલ્લામાં ૨.૯૦ લાખ, ગોલપારામાં ૧.૮૪ લાખ, બરપેટામાં ૧.૬૯ લાખ, નલબારીમાં ૧.૨૩ લાખ, કામરૂપમાં ૧.૧૯ લાખ અને હોજાઈ જિલ્લામાં ૧.૦૫ લાખ લોકોને અસર થઈ છે.
નવીનતમ અહેવાલો અનુસાર, આસામના કામરૂપ જિલ્લામાં પૂરની સ્‍થિતિ વધુ વણસી ગઈ છે. પૂરના પાણી નવા વિસ્‍તારોમાં પ્રવેશ્‍યા છે. આ વિસ્‍તારના ૭૦,૦૦૦ થી વધુ લોકોને અસર થઈ. અવિરત વરસાદને કારણે બોરોલિયા નદી અને જિલ્લાની અન્‍ય મોટી નદીઓના જળસ્‍તર વધી રહ્યા છે. બોરોલિયા નદીના પૂરના પાણીએ ગુરુવારે ચૌમુખા ખાતે બંધનો એક ભાગ ધોવાઇ ગયો હતો અને હાજો વિસ્‍તારના કેટલાંક ગામડાઓ ડૂબી ગયા હતા. આસામના મુખ્‍યમંત્રી હિમંતા બિસ્‍વા સરમાએ રાજયમાં પૂરથી પ્રભાવિત લોકો માટે મુખ્‍યમંત્રી રાહત ફંડમાં ૫ લાખ રૂપિયાનું યોગદાન આપવા બદલ બોલીવુડ અભિનેતા અર્જુન કપૂર અને દિગ્‍દર્શક રોહિત શેટ્ટીનો આભાર માન્‍યો છે.

 

(11:11 am IST)