Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ઘટનાના વાયરલ થઈ રહેલા વીડિયોમાં ગોળીબાર અને વિસ્‍ફોટના અવાજો સંભળાય છે

કાબુલમાં શીખ ગુરુદ્વારા કાર્તે પરવાન પર વધુ એક ભયાનક હુમલોઃ ઘણા લોકોના મોતઃ વિસ્‍ફોટને કારણે ગભરાટ

કાબુલ, તા.૧૮: અફઘાનિસ્‍તાનની રાજધાની કાબુલમાં ગુરુદ્વારા કર્તે પરવાન પર ભીષણ હુમલો થયો છે. પ્રારંભિક અહેવાલમાં કહેવામાં આવ્‍યું છે કે હુમલામાં ઘણા લોકો માર્યા ગયા છે. શીખ ગુરુદ્વારાની આજુબાજુમાં ગોળીબારના અવાજ સંભળાતા હતા. અનેક વિસ્‍ફોટો પણ સંભળાયા હતા. વિસ્‍ફોટના કારણે આકાશમાં ધુમાડો જોવા મળી રહ્યો છે. હજુ સુધી તાલિબાન તરફથી કોઈ નિવેદન આવ્‍યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે ગુરુદ્વારાની અંદર હજુ પણ બે હુમલાખોરો હાજર છે. ગુરુદ્વારાની અંદર બે બ્‍લાસ્‍ટ પણ થયા છે.

અફઘાન પત્રકાર બિલાલ સરવારીએ તાલિબાનને ટાંકીને કહ્યું કે ગુરુદ્વારાના ગેટની બહાર થયેલા પહેલા વિસ્‍ફોટમાં ઓછામાં ઓછા બે અફઘાન માર્યા ગયા. આ પછી ગુરુદ્વારાની અંદર બે વિસ્‍ફોટ થયા. આ હુમલાની ઝપેટમાં ગુરુદ્વારાની બાજુમાં આવેલી શીખોની કેટલીક દુકાનો પણ આગની લપેટમાં આવી ગઈ હતી અને તેમાં આગ લાગી હતી. બે હુમલાખોરો હજુ પણ ગુરુદ્વારાની અંદર છે અને તાલિબાનના સુરક્ષા કર્મચારીઓ તેમને જીવતા પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અફઘાન મીડિયાના અહેવાલ મુજબ આ હુમલા દરમિયાન ઘણી ગોળીબાર અને વિસ્‍ફોટ થયા છે. તાલિબાન સુરક્ષા દળોએ હુમલા અંગે કોઈ ટિપ્‍પણી કરી નથી. આ ગુરુદ્વારાની આસપાસ મોટી સંખ્‍યામાં શીખ લોકો રહે છે. આ પહેલા પણ આ ગુરુદ્વારા પર ઘણી વખત ભયાનક હુમલા થઈ ચૂકયા છે. તાલિબાને તાજેતરમાં દાવો કર્યો હતો કે તેઓએ ગુરુદ્વારા કર્તે પરવાન પર હુમલો કરનારાઓની ધરપકડ કરી હતી.

તાલિબાને કહ્યું હતું કે આ હુમલાખોરોને ન્‍યાય અપાશે. ગયા વર્ષે ઓક્‍ટોબરના પ્રથમ સપ્તાહમાં કેટલાક સશષા લડવૈયાઓ કાબુલના આ ગુરુદ્વારામાં બળજબરીથી ઘૂસ્‍યા હતા. તેઓએ સુરક્ષામાં તૈનાત ગાર્ડને કસ્‍ટડીમાં લીધા અને સીસીટીવી કેમેરા તોડી નાખ્‍યા. અહેવાલો અનુસાર, બપોરે ૧૫-૧૬ અજાણ્‍યા સશષા માણસો ગુરુદ્વારાની અંદર પહોંચ્‍યા હતા. આ લોકોએ ત્રણ ગાર્ડના હાથ-પગ બાંધી દીધા હતા. બહાર જતી વખતે તેઓએ સીસીટીવી પણ તોડી નાખ્‍યા હતા.

ઈન્‍ડિયા વર્લ્‍ડ ફોરમના પ્રમુખ પુનિત સિંહ ચંડોકે જણાવ્‍યું હતું કે સશષા તાલિબાન અધિકારીઓ ગુરુદ્વારામાં ઘૂસ્‍યા હતા. આ હુમલા બાદ પીએમ નરેન્‍દ્રભાઇ મોદી અને વિદેશ મંત્રાલયને આ મામલે હસ્‍તક્ષેપ કરવાની અપીલ કરવામાં આવી હતી. તેમણે અફઘાનિસ્‍તાનમાં હિન્‍દુઓ અને શીખોની સુરક્ષા સુનિશ્‍ચિત કરવાની માંગ કરી હતી.

(11:15 am IST)