Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

હું મારૂ પૂણ્‍ય, દેશની માતા અને બહેનો માટે સમર્પિત કરતો રહું અને દેશની સેવા કરતો રહું તે મેં માતાજી પાસે માંગ્‍યુ છે : નરેન્‍દ્રભાઇ

પાંચ શતાબ્‍દી બાદ પાવાગઢમાં ધ્‍વજા લહેરાઈ છે, સદીઓ બદલાઈ છે, યુગ બદલાય છે પણ આસ્‍થાનું શિખર શાશ્વત રહે છે : પાવાગઢ અને પંચમહાલની તપસ્‍યા આજે સિદ્ધ થઈ છે : હું મહાકાળીના ચરણોમાં નમન કરૂ છું, અહિં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને શુભકામના પાઠવું છું, આજે તેમના પૂર્વજોના સપના પૂરા થયા છે : વડાપ્રધાન મોદીએ માતાજીના દર્શન કરી પાવાગઢ મંદિરે ધ્‍વજારોહણ કર્યુ

રાજકોટ : વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આજે સવારે તેમના માતા હીરાબાને મળી તેમના શુભાશિષ લીધા બાદ પંચમહાલ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાત લીધી હતી જયાં તેઓએ મહાકાળી માતાજીના દર્શન કરી વિકાસ કામોનું લોકાર્પણ કર્યુ હતું. ત્‍યારબાદ શાષાોકત વિધિ અનુસાર પૂજન - અર્ચન કરેલ. વડાપ્રધાન શ્રી મોદીના હસ્‍તે ધ્‍વજારોહણ કરવામાં આવ્‍યુ હતું.
વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ તેમના સંબોધનમાં જણાવ્‍યુ હતું કે, પાંચ શતાબ્‍દી સુધી મહાકાળીના શિખર પર ધ્‍વજા ન હોતી ફરકતી. જે આજે લહેરાઈ રહી છે. આ વાત પ્રેરણા આપે છે. આજે સદીઓ પછી મહાકાળી મંદિર વિશાળ સ્‍વરૂપમાં આપણી સામે છે. ગુપ્‍ત નવરાત્રી પહેલા પાવાગઢ શકિતપીઠ દિવ્‍યરૂપે આપણી સામે તૈયાર છે. સદીઓ બદલાઈ છે, યુગ બદલાઈ છે, પણ આસ્‍થાનું શિખર શાશ્વત રહે છે.
શ્રી મોદીએ વધુમાં જણાવ્‍યુ કે હું મારૂ પૂણ્‍ય છે તે દેશની માતા અને બહેનો માટે સમર્પિત કરતો રહું અને દેશની સેવા કરતો રહું તે મેં માતાજી પાસે માંગ્‍યુ છે. પાવાગઢ અને પંચમહાલની તપસ્‍યા આજે સિદ્ધ થઈ છે. કોઈ લગ્ન થાય તો ભકત લગ્નની પત્રિકા માતાના ચરણમાં મૂકે છે અને માતાજીને આ પત્રિકા સંભળાવવામાં આવે છે. ધ્‍વજારોહણ એ ભકત માટે શકિત ઉપાસકો માટે આનાથી મોટો કોઈ ઉપહાર હોઈ જ ન શકે.
નીજ મંદિરનો વિકાસ થયો છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. ઉંચુ સ્‍થાનક હોવાથી અહિં સુરક્ષા રાખવાની ખૂબ જ જરૂરીયાત છે. જેથી સૌ કોઈએ અનુસાશન રાખવાની જરૂર છે. હું રોપ-વેના માધ્‍યમથી અહિં આવ્‍યો છું. રોપ-વેથી યાત્રા સુવિધાસભર થઈ છે. પાવાગઢ, સાપુતારા અને અંબાજી રોપ-વેથી જોડાઈ રહ્યા છે. પંચમહાલમાં પર્યટનની સંભાવનાની સાથે યુવાનોને રોજગાર મળશે. કલા - સાંસ્‍કૃતિક વિરાસતને નવી ઓળખ મળશે.  હું મહાકાળી માતાજીના ચરણોમાં ફરી એક વાર નમન કરૂ છું, અહિં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને શુભકામના પાઠવું છું. આજે તેમના પૂર્વજોના સપના પૂર્ણ થયા છે.

 

(1:27 pm IST)