Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

તમારા અને નરેન્‍દ્રભાઇના સાદગીભર્યા જીવનને મારા વંદન... મારા ભાઇ નરેન્‍દ્રભાઇ મોદીને ફરીથી વડાપ્રધાન બનવા બદલ અભિનંદનઃ લતા મંગેશકરે હિરાબાને ગુજરાતમાં પત્ર લખ્‍યો હતો

આજે વડાપ્રધાનના માતુશ્રીના શતાયુ વર્ષ પ્રવેશ નિમિતે સંસ્‍મરણ

નવી દિલ્‍હીઃ લતા મંગેશકરનો નરેન્‍દ્રભાઇ મોદીના માતા હીરાબા સાથેનો એક પ્રસંગ લતાજીએ ગુજરાતીમાં લખેલ પત્રમાં જોવા મળ્‍યો છે. નરેન્‍દ્રભાઇ વડાપ્રધાન બન્‍યા ત્‍યારે અભિનંદન પાઠવતા પત્રમાં તે તમારો પુત્ર અને મારો ભાઇ કહી સંબોધન કર્યુ હતુ. હીરાબા અને લતા દીદી વચ્‍ચે ખૂબ જ ગાઢ સંબંધો હતા.

હીરાબાનો આજે 100માં જન્મદિવસે પ્રધાનમંત્રી મોદીએ કરી માતા સાથે મુલાકાત કરી હતી. માતાને લાડુ ખવડાવી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ શાલની ભેટ આપી માતાના ચરણ ધોઈ આશીર્વાદ લીધા હતા. આજે પીએમ મોદીના માતા હીરાબા વિશે અલગ અલગ ક્ષેત્રે જૂની યાદો વાગોળવામાં આવી રહી છે. ત્યારે સુરોની કોકિલા અને ભારત રત્ન લતા મંગેશકર હવે આપણી વચ્ચે તો રહ્યા નથી. પરંતુ તેમની સાથે પણ પીએમ મોદીના માતા હીરાબાનો એક પ્રસંગ જોડાયેલો છે. દેશના પીએમ નરેન્દ્ર મોદી અને લતા દીદી વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ હતા. લતાજીએ પીએમ મોદીની માતા હીરાબાને એક પત્ર મોકલ્યો હતો, જેનાથી તેમની ભાવનાઓને સમજી શકાય છે.

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવા પર લતા મંગેશકરે હીરાબાને એક પત્ર મોકલ્યો હતો. તે પત્રમાં લખવામાં આવ્યું હતું

તમારા ચરણોમાં મારા સાદર પ્રણામ

ભગવાન શ્રી રામની કૃપાથી તમારા પુત્ર અને મારા ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી ફરીથી વડાપ્રધાન બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

તમારા અને શ્રી નરેન્દ્રભાઈના સાદગીભર્યા જીવનને મારા વંદન..

શ્રી પ્રહલાદભાઈ, શ્રી પંકજભાઈ અને આપના સમગ્ર પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, સકુશળ આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના.

હું પહેલીવાર ગુજરાતીમાં પત્ર લખી રહ્યો છું, જો કોઈ ભૂલ હોય તો માફ કરશો

હું તમને વંદન કરું છું, માતા

તમારી પુત્રી લતા મંગેશકર

આ પત્ર વાંચીને સમજી શકાય છે કે લતા દીદી પીએમ મોદીને કેટલા ચાહતા હતા અને તેઓ તેમના ભવિષ્ય તેમજ તેમના પરિવારના કેટલા નજીક હતા.

ઉલ્લેખનીય છે કે, જ્યારે કોકિલ કંઠી લતા દીદી આ દુનિયા છોડીને ચાલ્યા ગયા ત્યારે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, "આજે આપણી લતા દીદી આપણને છોડીને ચાલી ગઈ છે. ગઈકાલે બસંત પંચમીનો તહેવાર હતો અને લતા દીદી બ્રહ્મલોકની યાત્રાએ ચાલ્યા ગયા. હું ભારે હૃદયથી મારી શ્રદ્ધાંજલિ તેમને અર્પણ કરું છું."

તમને જણાવી દઈએ કે, લતા મંગેશકરે 92 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું હતું. લતાજીની મુંબઈની એક હોસ્પિટલમાં ઘણા દિવસોથી સારવાર ચાલી રહી હતી. પરંતુ ડોક્ટરોના લાખ પ્રયત્નો પછી પણ તેમને બચાવી શકાયો નહોતા. પીએમ મોદીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

(5:14 pm IST)